વલસાડઃ તાઃ૧૪: વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રૂા.૨૮૬.પ૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર બસસ્ટેશનનું ખાતમુહૂર્ત વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રી વલ્લભભાઇ કાકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્ય વાહન વ્યવહાર મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અંતરિયાળ વિસ્તારમાં ઓછા મુસાફર મળતા હોય તો પણ તેવા વિસ્તારોમાં બસ ચલાવવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આજના આધુનિક યુગમાં આધુનિક બસસ્ટેશન હોય અને સામાન્ય જનતાને પણ એરપોર્ટ જેવી
સુવિધાઓ મળે તેવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે રાજ્યમાં આધુનિક બસસ્ટેશનો નિર્માણ કરવામાં આવી રહયાં છે. વર્તમાન સરકાર સામાન્ય માણસોની માગણીને ધ્યાને લઇ સારી સુવિધાયુક્ત વ્યવસ્થાઓ મળે તે માટે વધુ સગવડતાઓવાળી આધુનિક બસોની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર કરશે. ટૂંક સમયમાં ૧૬૦૦ બસ અને આવતા ૬ માસમાં બીજી ૧૬૦૦ બસ મળી ૩૨૦૦ બસો પણ રસ્તા ઉપર દોડતી થઇ જશે. મંત્રીશ્રીએ જે તે વિસ્તારની જરૂરિયાતને ધ્યાને લઇ બસના રૂટ ગોઠવવામાં આવનાર હોવાનું જણાવી એસ.ટી. નિગમમાં ડ્રાઇવર કન્ડક્ટરની ખોટ પૂરવા માટે ૩૦૦૦ ડ્રાઇવર અને ૧૭૦૦ કન્ડક્ટરોની ભરતી ટૂંક સમયમાં કરાશે, તેમ જણાવ્યું હતું.
સાંસદ ડો.કે.સી.પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં કેન્દ્ર સરકાર દ્વારા અમલી યોજનાઓની જાણકારી આપી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર દ્વારા કરાયેલા વિકાસકાર્યોની રૂપરેખા આપી હતી. સ્વાગત પ્રવચનમાં ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઇ ચૌર્યાએ સૌને આવકારી રાજ્ય સરકાર દ્વારા જનસુખાકારી માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી હોવાનું જણાવ્યું હતું. ૧૩૮૬૦ ચો.મી.વિસ્તારમાં નિર્માણ પામનાર આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા અદ્યતન સુવિધાયુક્ત બસ સ્ટેશનમાં ૮ પ્લેટફોર્મ હશે. આ ઉપરાંત મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ રૂમ, વહીવટી અને વિદ્યાર્થી પાસરૂમ, ટ્રાફિક કંટ્રોલર રૂમ, ઉપહાર ગૃહ, લેડીઝ રેસ્ટરૂમ વગેરે સગવડતાઓ સહિત દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્લોપિંગ રેમ્પની સુવિધા પણ રાખવામાં આવી છે. આ પ્રસંગે નિવાસી શાળા ધરમપુરના વિદ્યાર્થીઓએ આદિવાસી નૃત્યો રજૂ કર્યાં હતાં. આ પ્રસંગે ધારાસભ્યશ્રી કનુભાઇ દેસાઇ, શ્રી ઇશ્વરભાઇ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મીનાબેન ચૌધરી, કપરાડાના આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટરશ્રી કે.ટી.કુન્બી, પ્રાંત અધિકારીશ્રી પ્રજાપતિ, અગ્રણીઓ, ડેપોના ડ્રાઇવર-કન્ડકટર, સ્ટાફગણ, નગરજનો હાજર રહયા હતા. એસ.ટી. વિભાગીય નિયામકશ્રી એન.એસ.પટેલે આભારવિધિ કરી હતી.