વડોદરામાં સમા તળાવ પાસે બનાવવામાં આવેલા ગુજરાતના સૌથી વધુ ઊંચાઈ ધરાવતા રાષ્ટ્રધ્વજનું ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગઈ કાલે લોકાર્પણ કરતાં વડોદરામાં ગુજરાતનો સૌથી ઊંચો ૬૭ મીટર જેટલી ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ લહેરાયો હતો.
વિજય રૂપાણીએ વડોદરામાં સ્વાતંત્ર્યપર્વના રાજ્યકક્ષાના કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો હતો. વિજય રૂપાણીએ ૬૭ મીટરની ઊંચાઈ ધરાવતા રાજ્યના સર્વાધિક ઊંચાઈએ લહેરાનારા રાષ્ટ્રધ્વજ માટે વડોદરા મહાનગરપાલિકાને અભિનંદન આપીને કહ્યું હતું કે ‘આ ગગનચુંબી ઊંચાઈએ લહેરાતો રાષ્ટ્રધ્વજ નવી પેઢીને ઉન્નત રાષ્ટ્રપ્રેમની અવિરત પ્રેરણા આપશે. ભારતીય તિરંગાની આન, બાન અને શાનને દિલોજાનથી જાળવીને સૌ દેશવાસીઓ ભારતને વિશ્વગુરુ બનાવવા સંકલ્પબદ્ધ થયા છે. હવે એની આડે આવતાં તત્વોને રુક જાઓ આખો દેશ એકઅવાજે કહી રહ્યો છે. ભારતની એકતા અને અખંડિતતાને આતંકવાદી ઓછાયાથી તોડવાના કોઈ પ્રયાસો દેશની જનતા સાંખી નહીં લે.