વલસાડના અરબી સમુદ્ર કાંઠાથી 16 નોટિકલ માઇલના અંતરે એક શંકાસ્પદ બોટ નજરે પડતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી જે અંગે પોલીસ સહિત કોસ્ટ ગાર્ડની ટીમે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા આ બોટ ગલ્ફના યમન દેશની હોવાનું સામે આવ્યું હતું.
બોટમાં ખામી સર્જાતા બોટ દરિયામાં ડૂબવા લાગતા બોટમાં રહેલા માછીમારોને બચાવી લઈ બોટને સમુદ્રમાં છોડી દેવામાં આવી હોવાનું ખુલ્યું હતું.
વલસાડ દરિયામાં હેલિકોપ્ટર દ્વારા થઇ રહેલા પેટ્રોલિંગ દરમિયાન આ વિદેશી બોટ વલસાડ નજીક દરિયામાં નજરે પડતા દમણ કોસ્ટગાર્ડ કન્ટ્રોલરૂમ અને જિલ્લાા પોલીસને જાણ કરાઇ હતી.
કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસ દ્વારા બોટ અંગે વલસાડના ફિશિંગ માછીમારોને જાણ કરતા માછીમારોએ નજીકના દરિયેથી આ બોટને લાવી વલસાડ કોસંબા હિંગરાજ ખાતે લાંગરવામાં આવી હતી.
પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ બોટ ઉપર ચેકિંગ માટે પહોંચી હતી.જ્યાં તપાસ કરતા બોટમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.
દરમિયાન બોટમાંથી મોબાઇલ, વોકીટોકી મળી આવતા મુંબઇ મહારાષ્ટ્રના યેલોગેટ પોલીસ મથકમાં જમા કરાવી દેવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડમાં 15મી ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી થનાર હોય આ સમય દરમિયાન શંકાસ્પદ બોટ નજરે ચડતા પોલીસમાં ભારે દોડધામ મચી હતી.