પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વૈશાલી બલસારાને ગળે ટુંપો આપીને હત્યા કરવામાં આવી હોવાનું ખુલતા સનસનાટી ; હત્યારાની શોધખોળ શરૂ
વલસાડની જાણીતી સિંગરની પારડી પાર નદી પાસેથી કારમાં લાશ મળી આવ્યા બાદ થયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વૈશાલી બલસારાને ગળે ટુંપો આપીને હત્યા કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું છે, પારડી પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને શોધવા તપાસમાં ચક્રો ગતિમાન કર્યા છે.
વલસાડ જિલ્લાના પારડીની પાર નદી પાસે અવાવરું જગ્યાએ પડેલી બલેનો કારમાં વૈશાલી બલસારાની લાશ મળી આવતા પારડી પોલીસે લાશનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન પોસ્ટમાર્ટમરિપોર્ટમાં વૈશાળીનીગળે ટુંપો દઈને હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.
પારડી પોલીસે FSLના પોસ્ટમોર્ટમના પ્રાયમરી રિપોર્ટના આધારે હત્યાનો ગુનો દાખલ કરવા સહિત વૈશાલીના મિત્રો અને પરિવારના સભ્યોના નિવેદન નોંધવાની પણ પોલીસે તજવીજ હાથ ધરી છે.
પોલીસે વલસાડથી પારડી સુધીના CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈ અલગ અલગ 8 ટીમો બનાવી ઘટનાનો ભેદ ઉકેલવા તજવીજ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બનાવના આગલા દિવસે વૈશાલી એક મહિલા પાસે રૂપિયા લેવાના છે તેમ જણાવી ઘરેથી નીકળી હતી જે મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા તેઓના પતિ હિતેશ બલસારાએ સીટી પોલીસ મથકે પત્નીની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી અને પત્નીની શોધખોળ હાથ ધરી હતી ત્યારબાદ પારડીમાં પાર નદી નજીક અવાવરું જગ્યામાં પડેલી કારમાં વૈશાલી નો મૃતદેહ મળી આવ્યો હતો.