વલસાડ જિલ્લામાં ગામડાઓમાં બહેનો પોતાની રીતે પગભર બની શકે તે માટે તેઓને કામ આપી અને ધંધો ચાલુ કરવા નાણાકીય સહાય આપવા સરકાર કટિબદ્ધ બની છે.
વલસાડના પારડી તાલુકાના અરનાલા પાટી ગામમાં મહિલા અને શિક્ષિત યુવતીઓને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી અને ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી ઈન્સ્ટીટ્યુટ, ગુજરાત સરકારના પારડી કેન્દ્ર દ્વારા રેક્ઝિન બેગ બનાવવાની તાલીમ આપી બાદમાં તેઓ પોતાનો ધંધો શરૂ કરી શકે તે માટે બાજપાઈ બેંકેબલ યોજના હેઠળ રૂ. 30 હજારની લોન આપવા ગતિવિધિ શરૂ થઈ છે.
રાજ્ય સરકારના ઉદ્યોગસાહસિકતાના ઉદેશ્યને સાકાર કરવા માટે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અરનાલા પાટી ગામમાં 29 મહિલા અને યુવતીઓને ઈકો ફ્રેન્ડલી રેક્ઝિન બેગ બનાવવાની તાલીમ આપવામાં આવી છે.
આ તાલીમમાં મહિલાઓ રેક્ઝિન મટીરીયલમાંથી વિવિધ આર્ટીકલ્સ જેવા કે, શોપિંગ બેગ, પર્સ, ટ્રાવેલિંગ બેગ, શેવિંગ કીટ પાઉચ, વોટર બોટલ પાઉચ, સાઈડ પર્સ અને કોલેજ બેગ બનાવતા શીખી ગઈ છે. જેના થકી તેઓ આર્થિક રીતે પગભર બનશે.
અંભેટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ઉદ્યોગસાહસિકતા વિકાસ ઉપર વિશેષ ભાર મુકાઈ રહ્યો છે. જેના થકી બહેનો રોજગારી મેળવી શકે છે.
અહીં અરનાલા પાટી ગામમાં તાલીમ લઈ રહેલી સ્વ સહાયજૂથની 29 બહેનોને બે મહિના તાલીમ માટે રૂ. 5000 આપવામાં આવશે અને ત્યારબાદ બાજપાઈ બેંકેબલ યોજના હેઠળ રૂ. 30 હજારની સરકારી સહાય પણ મળશે.
આમ,બહેનો સ્વ નિર્ભર બને તે દિશામાં કામગીરી શરૂ થતાં બહેનો ગામડાઓ પણ પોતાની રીતે કામ કરી આત્મ નિર્ભર બની શકશે.