રાજ્યભરમાં ઉંચું વ્યાજ વસુલતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વલસાડ શહેરમાં પણ મોબાઇલ શોપ ચલાવતો વિનોદ ભોગીલાલ શાહ મોબાઈલ વેચવાના આડમાં વ્યાજખોરીનો ધંધો કરતો હોવાની ફરિયાદ મળતા પોલીસે રેડ કરતા વ્યાજનો ધંધો કરતો હોવાનું સામે આવતા પોલીસે વિનોદ ને ઊંચકી લેતા વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે.
વલસાડમાં એક મહિલાની ફરિયાદના આધારે વલસાડ સીટી પોલીસે વિનોદની મોબાઈલ શોપમાં અચાનક રેડ કરી ચેક કરતા તેની શોપમાંથી મહિલાની મોપેડની ચાવી, કોરા ચેક સહિતના ડોક્યુમેન્ટસ મળી આવ્યાં હતા.
વિનોદ શાહની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે લાઇસન્સ વિના 10% અને 20 % જેવા ઉંચા વ્યાજે બેંક ડિફોલ્ટરોને મોબાઈલ તેમજ રૂપિયા વ્યાજે આપતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન વધુ 25 જેટલા લોકોના ડોક્યુમેન્ટસ મળી આવ્યા હતા.
સીટી પોલીસે પઠાણી ઉઘરાણી કરનાર વિનોદ શાહની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.