મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા કાનુની જાગૃતિ દિવસની ઉજવણીનો કાર્યક્રમ મોંઘાભાઇ હોલ, વલસાડ ખાતે યોજાયો હતો.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુનિલ જોષીએ વલસાડની મહિલા હોમગાર્ડની અવિરત કામગીરીની સરાહના કરી હતી. તેમણે કાયદાઓના વિવિધ પ્રકારોની જાણકારી આપી મહિલા અધિકારો માટે અમલી કાયદાઓથી વાકેફ થવાની સાથે મહિલા અધિકારોનો લાભ લઇ જાગૃતિ સહ ઉત્કર્ષ સાધવા જણાવ્યું હતું.
અસ્તિત્વ મહિલા મંડળના માનદ મંત્રી અર્ચનાબેન દેસાઇએ જણાવ્યું હતું કે, ઉજળી આવતીકાલ બનાવવા ઉપયોગી બને તે પ્રકારનું શિક્ષણ મેળવવું જરૂરી છે. તેમણે અસ્તિત્વ મહિલા મંડળ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ અંગે જાણકારી આપી હતી. આત્મનિર્ભર બનવા શિક્ષણ જરૂરી હોવાનું જણાવી રાજ્ય સરકાર દ્વારા અમલી મહિલાલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આજની દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આર્થિક રીતે પગભર બનવાની સાથે ઘરકામમાં પણ પોતાનો સંપૂર્ણ સહયોગ આપે છે. આજની મહિલાઓમાં ખૂબ જ શક્તિ ભરેલી છે, ત્યારે નિર્ભય બની કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવો એ આજની દીકરીની ભવિષ્યેની અનિવાર્યતા છે તેમ જણાવી મુશ્કેલીના સમયે હિંમત ન હારતાં યોગ્ય રસ્તો કાઢી આગળ વધવા જણાવ્યું હતું.
કાયદા નિષ્ણાત ચેતનાબેન દાવડાએ મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. કાયદાઓના અમલીકરણ થકી મહિલાઓને પુનઃ લગ્ન, સતીથવાનો રીવાજ, દૂધપીતી કરવાનો રીવાજ વગેરે અનેક રિવાજો દૂર કરાયા છે તેમજ દરેક મહિલાને મફત કાનુની સહાય મેળવવાનો અધિકાર છે તેમ જણાવી મહિલાઓને વિવિધ કાયદાઓ હેઠળ મળતા અધિકારો વિષે સમજણ આપી તેનો જરૂરિયાતના સમયે લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કાયદા નિષ્ણાત તન્વીબેને દહેજ પ્રતિબંધક તેમજ ઘરેલુ હિંસા અંગે કાયદાઓમાં થયેલી જોગવાઇઓ તેમજ તેમને મળતી વિવિધ સહાય અંગે, શોભનાબેન દાસે મહિલાઓને મળતા અધિકાર અંગે, વકીલશ્રી એમ.જી.પટેલે મહિલાઓને મળતા હક્કો અંગે જાણકારી આપી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શિવાંગીબેન, સરકારી વકીલ મીતાબેન, મહિલા અગ્રણી ગીતાબેન, ૧૮૧-અભયમ, આંગણવાડી તેમજ હોમગાર્ડ મહિલા જવાનો, લો કોલેજના વિદ્યાર્થીઓ તેમજ પોલીસ અધિકારી/ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલ્પાબેન મોદીએ કર્યું હતું. આભારવિધિ મહિલા એ.એસ.આઇ. શ્રીમતી એમ.એન.બોરસેએ કરી હતી.