રાજ્યના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાએ વલસાડના મોગરાવાડી પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે તિરંગો લહેરાવી પ્રજા જોગ સંદેશો આપતાં જણાવ્યું કે, લોકો એમના પ્રશ્નો લઇને સરકાર પાસે આવે એ પરિભાષા બદલીને સરકારે લોકો પાસે જઇને એમની મુશ્કેલીઓનું સમાધાન કર્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે સંવેદનશીલતાપૂર્વક જનહિતલક્ષી નિર્ણયો પારદર્શક રીતે લઇને જનજનને પ્રગતિશીલતાની પ્રતિતી કરાવી છે.
વલસાડ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની વલસાડ પોલીસ હેડકવાટર્સ મોગરાવાડી ખાતે થઇ રહેલી ઉજવણી દરમિયાન રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને બા-અદબ સલામી આપ્યા બાદ મંત્રીશ્રી વસાવાએ તેમના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પર્વની સાચા અર્થમાં વિકાસના ઉત્સાહ સાથે સ્વયંભુ રીતે જનભાગીદારીથી ઉમંગપૂર્વક ઉજવાય એ આપણી શાન છે. તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના જિલ્લે જિલ્લે રાષ્ટ્રીય પર્વની ઉજવવાની શરૂ કરેલી નવતર પ્રણાલીએ ગુજરાતના ખૂણેખૂણાના વિકાસની પરિભાષા અંકિત કરી છે.
આ પ્રસંગે જિલ્લાના જુદા જુદા વિભાગો દ્વારા આકર્ષક અને માહિતીપ્રદ ટેબ્લોઝ પણ રજુ કરાયા હતા. બાગાયત, ખેતીવાડી, ૧૦૮, જિલ્લા, આદિજાતિ વિકાસ, ગ્રામ વિકાસ, શિક્ષણ વિભાગ, આરોગ્ય, પશુપાલન, મત્સ્યોદ્યોગ, આરોગ્ય, વન, આઇ.સી.ડી.એસ અને પોલીસ વિભાગના ટેબ્લોઝ રજુ કરાયા હતા.