ગુજરાત પ્રવાસન નિગમ લી.ના સૌજન્યથી શાંતિ ઇન હોટલ્સ એન્ડ રીસોર્ટ પ્રા.લી. દ્વારા તિથલ ખાતે લોકભાગીદારીથી નિર્માણ થનાર અદ્યતન હોટલનું ભૂમિપૂજન રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રવાસન અને વન વિભાગના મંત્રીશ્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરાયું હતું. આ અવસરે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, પ્રવાસનના વિકાસ થકી રોજગારી અને આવક મળે તેવા રાજ્ય સરકારના પ્રયાસો છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પ્રવાસનને ઉદ્યોગનો દરજ્જો આપતાં આ ક્ષેત્રમાં કરોડો રૂપિયાનું રોકાણ આવ્યું છે, જેના થકી સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ પ્રવાસન ક્ષેત્રે વધુ જાણીતું બન્યું છે. પ્રવાસન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રવાસન સ્થળોના વિકાસ માટે કરવામાં આવેલા કાર્યોની વિસ્તૃત જાણકારી આપી આ વિકાસ થકી હજ્જારો સ્થાનિક લોકોને રોજગારી મળી રહી હોવાનું જણાવ્યું હતું. દેશના વિકાસમાં પ્રવાસન ક્ષેત્રનો હિસ્સો ખૂબ જ મોટો છે તેમ જણાવી પ્રવાસનને મહત્ત્વ આપવા અનુરોધ કર્યો હતો. આજે પ્રવાસીઓ પ્રાકૃતિક સૌંદર્ય વધુ પસંદ કરે છે ત્યારે ગુજરાતના ૧૬૦૦ કિ.મી. દરિયાકિનારાના વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસને સુવર્ણ તક છે. આ પ્રસંગે સાંસદ ડો.કે.સી.પટેલે જણાવ્યુ હતું કે, સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને લઇને ચાલતી આ સરકારે અનેકવિધ વિકાસના કાર્યો કર્યાં છે. તેમણે કેન્દ્રની સરકાર દ્વારા ત્રણ વર્ષમાં કરેલા વિકાસકાર્યોની રૂપરેખા આપી હતી. વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં તિથલ બીચના વિકાસ માટે રાજ્ય સરકારના પ્રયાસો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. સ્વામીનારાયણ મંદિરના પૂ.કોઠારી સ્વામીજીએ જણાવ્યું હતું કે, તિથલ ખાતે આવીને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. લોકો આનંદ માટે વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લે છે, પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકારના પ્રયાસોની સરાહના કરી હતી. સ્વાગત પ્રવચનમાં શાંતિ ઇન હોટલ્સ એન્ડ રીસોર્ટના પ્રોપાઇટરશ્રી અરવિંદભાઇ પટેલે સૌને આવકારી સરકારશ્રીના પ્રવાસન ક્ષેત્રે ઉદાર વલણ અને સંપૂર્ણ સહયોગ બદલ આભારની લાગણી વ્યકત કરી હતી. પારડીના ધારાસભ્યશ્રી કનુભાઇ દેસાઇ, વલસાડ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણભાઇ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી દર્શનાબેન પટેલ, વલસાડ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેન સોલંકી, જિલ્લા કલેક્ટશ્રી સી.આ.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગૌરાંગ મકવાણા, નાયબ વનસંરક્ષકશ્રીઓ, સ્વામીનારાયણ મંદિરના શ્રી કોઠારી સ્વામી, પ્રવાસન નિગમના શ્રી કે.જે.ઓઝા સહિત પટેલ પરિવારના સભ્યશ્રીઓ વગરે ઉપસ્થિત રહયા હતા. આભારવિધિ શ્રી પંકજભાઇએ આટોપી હતી.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.