વલસાડ માં તત્કાલિન પાલિકા પ્રમુખ દિપક રાણા અને તેમના ભાઈ ને કોર્ટે સીઓ ને માર મારવાના પ્રકરણમાં ત્રણ વર્ષ ની સજા નો હુકમ કરતા વલસાડ માં જૂની વાતો ફરી સપાટી ઉપર આવી છે.
વિગતો મુજબ તા.29 જાન્યુઆરી 2011માં વલસાડ ના મદનવાડમાં માધવ કોમ્પ્લેક્ષનું ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માજી પ્રમુખ દિપક રાણા અને તેમના ભાઈ જગદીશ રાણા વલસાડ નગર પાલિકાના તત્કાલીન સીઓ ચિરાગ પટેલ પાસે ગયા હતા. દિપક રાણાએ અમારી રજૂઆત કોઈ સાંભળતું કેમ નથી તેમ કહી સીઓ ચિરાગ પટેલનો કોલર પકડી પેવર બ્લોક મારવાનો પ્રયાસ કરવાનું પ્રકરણ વલસાડ સિટી પોલીસ મથકે પહોંચ્યું હતું જ્યાં ચિરાગ પટેલે ફરિયાદ નોંધાવી હતી.
દરમ્યાન આ કેસ વલસાડ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શશીકાંત ચાંપાનેરીયાની ધારદાર દલીલોને ધ્યાને રાખીને વલસાડ ચીફ કોર્ટના જજ એચ.એન.દેસાઈએ આરોપીને IPC 332 હેઠળ 3 વર્ષની સજા અને રૂ. 10 હજારનો દંડ તેમજ IPC 504,114 મુજબ 2 વર્ષની સજા અને રૂ. 10 હજારના દંડની સાદી સજા ફટકારી હતી.