વલસાડમાં પત્રકાર ગુલઝાર ખાન ઉપર હુમલાને વખોડી કાઢી
વલસાડ જીલ્લા પોલીસવડાને આવેદન પત્ર આપી રજૂઆત કરાઇઃ ભવિષ્યમાં હુમલો થશે તો આંદોલનની ચીંમકી
વલસાડમાં પત્રકાર ગુલઝાર ખાન ઉપર સલીમના માણસો દ્વારા કરાયેલા હીચકારા હુમલાના બીજા દિવસે પત્રકાર આલમમાં ઘેરો પ્રત્યાઘાતો પડ્યા હતા અને ગુલઝાર ખાનને અપાયેલી ધમકી અને હુમલા સબંધે ન્યાયીક તપાસ માટે અત્રેના મિડીયા એશોસીએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જીલ્લા પોલીસ વડાને વલસાડ મિડીયા અશોસીએશનના પત્રકારો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયુ હતું કે દમણના કુખ્યાત સલીમ મેમણના ઇશારે તેના સાગરીતો દ્વારા થયેલા હિચકારા હુમલાને વખોડી કાઢવામાં આવે છે અને ન્યાયીક તપાસની માંગ કરવામાં આવે છે તેમજ ભવિષ્યમાં પણ જો આ પ્રકારે હુમલો કે હેરાનગતિ થશે તો પત્રકારો દ્વારા ગાંધીચીંધ્યા માર્ગે જલદ આંદોલન કરવામાં આવશે.
જાકે, વલસાડ જીલ્લા પોલીસ વડાએ સંપૂર્ણ ન્યાયીક તપાસ અને પગલાં ભરવાની ખાત્રી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સલીમ મેમણ છેલ્લા ઘણા જ સમયથી ખાન પરીવારના સભ્યોને હેરાન કરી રહ્યો હોવાનો મામલો આ પંથકમાં ચર્ચા જગાવી રહ્યો છે અને મારી નાંખવાની અવાર નવાર ધમકીઓ આપ્યો હોવા અંગે સ્થાનિક પોલીસ મથકમાં રજૂઆતો થયેલી છે તેમ છતાં પોલીટીકલ પાવરનો ઉપયોગ કરી બિન્દાસ રીતે વર્તન કરી ધમકી આપી તેના માણસોએ હાઇવે ઉપર ગુલઝાર ખાન ઉપર હુમલો કરતાં હચમચી ગયેલા આ પરીવારે અને ગુલઝાર ખાને પોલીસમાં ફરીયાદ કરતાં બીજા દિવસે અખબારોમાં આ વિગતો પ્રકાશીત થઇ હતી.
દરમ્યાન પત્રકારો દ્વારા આ અંગે આવેદન પત્ર પાઠવી સલીમના માણસોના હુમલા પ્રકરણમાં તપાસની માંગ કરી છે જાકે, ભૂતકાળમાં પણ સલીમ મેમણ ઉપર થયેલી ફરીયાદો અને તેના ગુનાહીત ભૂતકાળનો મામલો સપાટી ઉપર આવવાની શકયતા વ્યક્ત થઇ રહી છે.