વલસાડ જિલ્લાના વાપી વી.આઇ.એ. હોલ ખાતે મૂકબધિર મિત્ર મંડળ દ્વારા દિવ્યાંગ મુક-બધિર યુવક-યુવતીઓ માટે લગ્નજીવનસાથી પસંદગી મિલન સમારંભ યોજાયો હતો. આ સમારંભનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટરશ્રી સી.આર.ખરસાણના હસ્તે દીપપ્રાગટય કરી કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, કુદરત જ્યારે કોઇ વ્યકિતમાં ખામી રાખે ત્યારે તેની જગ્યાએ કોઇ બીજી શક્તિ આપે જ છે, જેથી દિવ્યાંગોએ આફતને અવસરમાં બદલી નાંખવા તેમની શક્તિનો ઉપયોગ કરી સફળતા મેળવવા પ્રયત્નો કરવા જોઇએ. કલેક્ટરએ રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા, દિવ્યાંગો માટે વિવિધ સ્થળોએ યોજાતા કેમ્પનો લાભ લઇ પ્રમાણપત્રો મેળવવા અનુરોધ કર્યો હતો. આ યોજનાઓની જાણકારી માટે કોઇ મુશ્કેલી જણાય તો તાલુકા મામલતદાર કચેરીનો સંપર્ક સાધવા જણાવ્યું હતું.
વાપીના અગ્રણી ઉદ્યોગપતિશ્રી ગફુરભાઇ બિલખીયાએ જણાવ્યું હતું કે, ભલાઇનું કામ કરો તો જીવન સફળ થશે. દિવ્યાંગો માટેના આવા કાર્યક્રમો થકી જીવનસાથીની પસંદગી થાય છે જે મહત્ત્વની બાબત છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલા વિવિધ અભિયાનોમાં સૌ સહયોગ આપે તે દેશના વિકાસ માટે જરૂરી હોવાનું જણાવ્યું હતું.
વેલસ્પનના ડાયરેક્ટર એ.કે.જોષીએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ વ્યક્તિઓ પણ સામાન્ય વ્યક્તિની જેમ જ કાર્યકુશળતાથી કામગીરી કરી રહ્યા છે. તેમણે પોતાની કંપનીમાં દિવ્યાંગોને નોકરી આપવા માટે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
મૂકબધિર મિત્ર મંડળના શ્રી વસંતભાઇ ઘેલાણીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી દિવ્યાંગો માટેના કાર્યક્રમની સફળતા માટે સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
વી.આઇ.એ. વાપીના પ્રમુખ હિતેન્દ્રભાઇ ઠક્કરે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે મૂકબધિર મિત્ર મંડળના હરિશ ઘેલાણી, અમન ઘેલાણી અને સમીર ઘેલાણી સહિત દિવ્યાંગો હાજર રહ્યા હતા.