સ્કીલ ડેવલપમેન્ટ સમયની માંગ છે, દેશના ઝડપી વિકાસ માટે આધુનિક શિક્ષણની આવશ્યકતા છે ત્યારે સમયની માંગ મુજબના અભ્યાસક્રમો ચલાવતી સંસ્થાઓ સરકારના શૈક્ષણિક કાર્યમાં પુરક બની રહી છે અને તેમાં વિવિધ દાતાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે, જે ખરેખર અભિનંદનને પાત્ર છે, એમ કેમીકલ અને ફર્ટિલાઇઝર, રોડ અને ટ્રાન્સપોર્ટ, હાઇવે એન્ડ શિપિંગ વિભાગના કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ કૌશિક હરીયા એજ્યુકેશન ફાઉન્ડેશન-વાપી દ્વારા સાયન્સ કૉલેજ ખાતે નવનિર્મિત પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું. આ અવસરે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સંસ્થામાં આવનાર વિદ્યાર્થીઓને આધુનિક વિજ્ઞાનનું શિક્ષણ આપવામાં આવશે. જે તેમના ભવિષ્ય નિર્માણમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તેમણે સરકારશ્રીની શૈક્ષણિક યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી કોલેજના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ કોટિના શિખરો પાર કરે અને દેશનું નામ સમગ્ર દુનિયામાં રોશન કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. સંસ્કાર અને સંપત્તિ જ્યારે ભેગી થાય ત્યારે જ આવા શૈક્ષણિક સંકુલોનું નિર્માણ થાય છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજ વિભાગના કેન્દ્રિય રાજ્ય મંત્રીશ્રી પુરુષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે, આ સેન્ટરના નિર્માણ માટે શાંતિભાઇ શાહ અને પ્રવિણાબેન શાહે જે નિઃસ્વાર્થ સહયોગ આપ્યો છે, જે સરાહનીય છે. દાતાઓએ લક્ષ્મીજીનો સદુપયોગ કરી શૈક્ષણિક કાર્યમાં સહયોગ આપી સાચા અર્થમાં આશિર્વાદ મેળવ્યા છે. દાતા બનવાનું સૌભાગ્ય ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય છે. મંત્રીશ્રીએ ગુજરાતમાં એકમાત્ર ચાઇલ્ડ યુનિવર્સિટી હોવાનું જણાવી વિવિધ ક્ષેત્રોને લગતી અનેક યુનિવર્સિટીઓ પણ ગુજરાતમાં કાર્યરત છે, ત્યારે યુવાપેઢીને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મેળવી દેશના વિકાસમાં સહભાગી બનવા તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. સંસ્થાના ચેરમેનશ્રી કાંતિભાઇએ સંસ્થાની કામગીરીની વિસ્તૃત જાણકારી આપી દાતાઓના સહયોગ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ અવસરે સાંસદ ડૉ. કે.સી.પટેલ, ધારાસભ્યશ્રી કનુભાઇ દેસાઇએ જિલ્લા કલેક્ટરશ્રી સી.આર.ખરસાણ, વાપી નગરપાલિકા પ્રમુખશ્રી, વાપી વી.આઇ.એ.ના પ્રમુખશ્રી યોગેશ કાબરીયા સહિત, અગ્રણી ઉદ્યોગપતિઓ, નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.