આજકાલ નાના બાળકોનું અપહરણ કરી તેને વેચી દેવાના બનાવો વધી ગયા છે ત્યારે વાપીના કરવડથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી ભાગી છૂટેલા નેપાળી વોચમેન ને વલસાડ પોલીસે દબોચી લીધા બાદ આજ ઇસમે યુપીથી પણ તે 4થી 5 બાળકોનું અપહરણ કરી ચૂક્યો હોવાની કબૂલાત કરતા પોલીસે આરોપીના 10 દિવસના રિમાન્ડ મેળવી યુપીના જુદાજુદા ત્રણ જિલ્લામાં તપાસ હાથ ધરાઈ છે.
વાપીના ડુંગરા સ્થિત કરવડમાં એક સાઇટ પરથી મજૂર પરિવારની પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી આ નેપાળી ઇસમ ફરાર થઇ ગયો હતો. જેથી જિલ્લાભરની પોલીસ એલર્ટ થઇ હતી અને ટેક્નિકલ એનાલિસીસ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને એમપીના ખંડાલા રેલવે સ્ટેશનથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને બાળકીને મુક્ત કરાવી હતી.
પોલીસ પૂછપરછમાં આરોપીનું નામ લેખે ખલાંક ઉર્ફે રમેશ નેપાળી ટીકારામ ખલાંગ ઉ.વ.35 રહે.બનગઇ મોતીપુર હોવાનું સામે આવ્યું હતું
રમેશ નેપાલીએ ઉત્તર પ્રદેશથી પણ 4થી 5 બાળકનો અપહરણ કરી ચૂક્યો હોવાનું જણાવતા ડુંગરા પોલીસની એક ટીમ આરોપીને યુપી વિસ્તારમાં લઇ ગઇ હતી. જ્યાં 3 જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં તેની તપાસ હાથ ધરાઇ છે.
યુપીની સ્થાનિક પોલીસની મદદ લઇ જે તે વિસ્તારમાંથી ગુમ થયેલા અથવા તો અપહરણ થયેલા બાળકોની યાદી પોલીસ મેળવી રહી છે. રિમાન્ડ દરમિયાન આરોપીએ જણાવ્યું છે કે, કરવડની બાળકીને તે નેપાળ લઇ જવાનો હતો અને તેને પણ વેચી મારવાનો પ્લાન હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.