વલસાડ જિલ્લા (Valsad District) સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસુ સક્રીય થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ સાથે ચીખલી, ગણદેવી, જલાલપોર, ખેરગામ, નવસારી, વલસાડમાં 4 ઈંચથી વધુ વરસાદ (Rain) નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. વલસાડ જીલ્લા સહિત સંઘપ્રદેશમાં વરસી રહેલી વરસાદની હેલીએ જન જીવનને પ્રભાવિત કરી દીધું છે. વલસાડ જિલ્લામાં છેલા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં (Umargam Talika) 8 ઈંચ અને વલસાડમાં 5 ઈંચ ખાબક્યો હતો. ઉપરાંત વાપી-પારડીમાં 4-4 તેમજ ધરમપુરમાં અઢી અને કપરાડામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો.સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે.
![દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, વલસાડમાં 5 ઈંચ વરસાદ ઝીંકાયો 1 દક્ષિણ ગુજરાત ધોધમાર: ઉમરગામમાં 8 અને વલસાડમાં 5 ઈંચ વરસાદ ઝીંકાયો](https://gujaratmitra.in/wp-content/uploads/2020/08/2-39-1024x576.jpg)
ડિઝાસ્ટર વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ સમગ્ર વલસાડ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ નદી-નાળા-ડેમ છલકાઈ ગયા છે. ઉપરાંત સતત વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડમાં ગત રાત્રિ અને દિવસ દરમિયાન સતત પડી રહેલા વરસાદને લઈ છીપવાડ-મોગરાવાડીનું નાળું પાણીથી ભરાઈ ગયું હતું. ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. ભાર વરસાદને પગલે શહેરના અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. મસમોટા ખાડા પડી જતાં વાહન ચાલકો સહિત રાહદારીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે.
જિલ્લામાં 24 કલાક દરમિયાન કેટલો વરસાદ
ઉમરગામ 8 ઇંચ
વલસાડ 5 ઇંચ
પારડી 4 ઇંચ
વાપી 4 ઇંચ
ધરમપુર 2.5 ઇંચ
કપરાડા 2 ઇંચ
વલસાડ જિલ્લાનો મોસમનો વરસાદ
ઉમરગામ 76 ઈંચ
કપરાડા 62 ઈંચ
ધરમપુર 56 ઈંચ
પારડી 50 ઈંચ
વલસાડ 70 ઈંચ
વાપી 53 ઈંચ
![દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, વલસાડમાં 5 ઈંચ વરસાદ ઝીંકાયો 2 દક્ષિણ ગુજરાત ધોધમાર: ઉમરગામમાં 8 અને વલસાડમાં 5 ઈંચ વરસાદ ઝીંકાયો](https://gujaratmitra.in/wp-content/uploads/2020/08/1-53.jpg)
વલસાડ : વલસાડમાં શુક્રવારે વરસેલા ભારે વરસાદના પગલે છીપવાડ અને મોગરવાડી ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. એજ રીતે વલસાડને અડીને આવેલા ભાગડા વડા વિસ્તારમાં પણ માર્ગો પર પાણી ભરાયા હતા. નજીકના ગ્રીનપાર્કમાં પણ પાણીના નિકાલના અભાવે પાણીનો ભરાવો થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. હનુમાન ભાગડા ગામમાં ઔરંગા કિનારે આવેલા ઘરો પૈકી ત્રણેક ઘરોના પાછળના ભાગે નદીના વહેંણને લઈ માટી ધસી જતા પ્રોટેક્શન વોલ તૂટી ગઈ હતી, ધરમપુર રોડ ઉપર અને ધરમપુર ચોકડી નજીક સર્વિસ રોડ ઉપર પણ ગટર લાઈન ચોકઅપ થતા પાણી ભરાયા હતા. અબ્રામા હાઇવે નજીકના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદના પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા.