દુકાનદાર સહિત પાંચ ઈસમો ની મર્ડર કેસ માં પોલીસે કરી ધરપકડ. વાપી સુલપડમાં વિસ્તાર માં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં કરિયાણાની દુકાનમાંથી ઉધારે લીધેલી વસ્તુના બાકી રૂપિયા ચૂકવી નહિ શકનાર એક જરૂરિયાત મંદ યુવકને દુકાનદાર તેના મિત્રોએ ઢોરમાર મારી પતાવી દેતા આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.આ મર્ડર કેસમાં પોલીસે વાપી પાલિકાના ડ્રેનેજ સમિતિના ચેરમેન દિવ્યેશ પટેલના ભાઇ સહિત 5 ઇસમોની ધરપકડ કરી લીધી હતી. આ મામલે વાપી માં કાલે દિવસભર ભારે ચર્ચા જોવા મળી હતી.
આ ઘટના અંગે ની વિગતો મુજબ:
વાપી બલીઠામાં રહેતા અને કલર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા આઝાદ યાદવનો માણસ સુલપડમાં રહે છે. કરિયાણાની દુકાનથી ઉધારીમાં માલ લેતા હોવાથી અવાર નવાર દુકાનદાર આઝાદને ફોન કરતો હતો. માણસના પગારના દિવસે પૈસા આપી દેવાનું કહી શુક્રવારે આઝાદ સુલપડ ગયો હતો. જ્યાં દુકાનદાર પીંકુ ઉર્ફે પ્રિયાંક પ્રકાશ પટેલ તેના મિત્ર મેહુલ પટેલ, રિતેષ પટેલ, પ્રજ્ઞેશ પટેલ અને અવિનાશ પટેલ ઉર્ફે પકીયો રણજીત પટેલ વગેરેએ આઝાદને લાકડા અને ઢીક-મુક્કીનો માર મારી દેસાઇની ખુલ્લી જગ્યામાં છોડી નાસી ગયા હતા. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વાપીની ટ્વેન્ટી ફર્સ્ટ સેંચુરી હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે અંગે મૃતકની પત્ની ટુનાદેવીએ ટાઉન પોલીસ મથકમાં પાંચેય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાપી ટાઉન પોલીસે દુકાનદાર પીંકુ ઉર્ફે પ્રિયાંક પ્રકાશ પટેલ તેના મિત્ર મેહુલ ગુલાબ પટેલ, રિતેષ ખંડુ પટેલ, પ્રજ્ઞેશ કલ્યાણ પટેલ અને અવિનાશ પટેલ ઉર્ફે પકીયો રણજીત પટેલ તેમજ વાપી પાલિકાના ડ્રેનેજ સમિતિના ચેરમેનના ભાઇ ની પણ ધરપકડ કરતા સ્થાનિક રાજકારણ ગરમાયુ હતું. એક જરૂરિયાતમંદ ગરીબ વ્યક્તિને નજીવી બાબતે યમલોક પહોંચાડી દેનાર ઈસમોને પોલીસે ત્વરિત ઝડપી લઈ પુરી દીધા હતા અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.