વલસાડ :- વલસાડમાં પારડી વિધાનસભા અને વલસાડ વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ હવે આમ આદમી પાર્ટી આગામી ફેબ્રુઆરીમાં વલસાડ, પારડી અને ધરમપુરમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીમાં પોતાના મૂરતિયા ઉભા રાખશે અને વિધાનસભા ચૂંટણીમાં મળેલી હારની સમીક્ષા કરશે
વલસાડ જિલ્લામાં આજે વાપી ખાતે આમ આદમી પાર્ટીના રાજીવ પાંડેએ પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતુ. પત્રકાર પરિષદમાં પાંડેએ વિગતો આપી હતી કે વિધાનસભા ચૂંટણીમા અમને હાર ચોક્કસ મળી છે. પણ અમારી પાર્ટી સ્થાનિક લેવલે મજબૂત બની છે. અને હવે આગામી ફેબ્રુઆરી માસમાં આવનારી જિલ્લાની ત્રણ વલસાડ, પારડી, ધરમપુર નગરપાલિકાની ચૂંટણીમાં પોતાના મૂરતિયાઓ મુકશે. વધુમાં રાજીવ પાંડેએ ગત ચૂંટણી વિશે જણાવ્યુ હતુ કે અમે ખૂબ પ્રચાર કર્યો હતો. સ્થાનિક લેવલે અનેક મુદ્દાઓ સાથે મતદારો સમક્ષ ગયા હતા પરંતુ તેમ છતા અમને જે મત મળ્યા છે. તે અપેક્ષાથી વિરૂદ્ધ છે અને એમાં મતદારોની નહી પરંતુ મશીન, પૈસા અને પાવરની મહત્વની ભૂમિકા રહી છે. આ અંગે પણ અમે સમિક્ષા કરશું અને ફરી સ્થાનિક મુદ્દાઓને લઇને કોઇના પણ ડર વગર નગરપાલિકા ચૂંટણીમાં લડશુ. અમારા દરેક ઉમેદવાર સ્વચ્છ છબી ધરાવતા હશે તો, લોકોની વિવિધ સમસ્યાને સરકાર સમક્ષ રજૂ કરવા ખાસ કોલ સેન્ટરની શરૂઆત કરીશુ જ્યાં લોકો પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરશે અને અમે એ માટે આંદોલન કરીશુ
ઉલ્લેખનીય છે કે વલસાડની ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર 539 મત જ મળ્યા હતા અને ચૂંટણી પ્રચાર દરમ્યાન રાજીવ પાંડે સહીત કાર્યકરો પર ચાકુ-પથ્થરના વાર સાથે જીવલેણ હુમલાઓ થયા હતા