દમણ:આ અંગે દમણ પોલીસે આપેલી વિગત મુજબ પોલીસને બાતમી મળી હતી કે કેટલાક લોકો આ વિસ્તારમાં વર્ષોથી બંધ પડેલી કંપનીમાં ટ્રક સાથે અવર જવર કરી ભંગારની હેરાફેરી કરે છે.
જે બાતમીના આધારે નાની દમણ પોલીસની ટીમે ભેંસલોર વિસ્તારમાં આવેલી ESS DEE ALUMINIUM કંપનીમાં રેઇડ કરી હતી જે દરમ્યાન કંપનીમાં લોખંડની ગ્રીલ કાપતા, પ્લાસ્ટિક કાપતા અને અન્ય મશીનરી ટ્રકમાં ભરતા માણસો મળી આવ્યા હતાં. જેઓની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ના મળતા તમામની ધરપકડ કરી નાની દમણ પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા જેમની વધુ પૂછપરછ કરતા આ 31 જણા કંપનીમાંથી માલ સામાનની ચોરી કરતા હોવાનુ જણાવ્યું હતું.
આ અંગે દમણ એસએચઓ ભરત પૂરોહીત અને એસએચઓ સોહીલ જીવાણીએ વિગતો આપી હતી કે આ મામલે બાતમી મળ્યા બાદ ડીઆઈજીપી બ્રિજેશ કુમાર સીંગ, એસપી સેજુ કુરુવિલ્લાના માર્ગદર્શન હેઠળ કંપનીમાં રેઇડ કરી હતી રેઇડ દરમ્યાન કંપનીમાં કોઇ જ વોચમેન કે સીસીટીવી કેમેરા નહોતા તેમજ આ કંપની ઘણા સમયથી બંધ હતી જેનો ફાયદો ઉઠાવી આ તમામ ઇસમો અંહીના માલસામની ચોરી કરતા હતા. પકડાયેલા 31 જેટલા ઇસમો છેલ્લા બે મહિનાથી કંપનીમા ત્રણ ટ્રક, ગેસ કટર સહીતના હથિયારો સાથે કંપનીના માલસામાનની ચોરી કરતા હતા. ચોર ઇસમો સાથે પોલીસે ત્રણ ટ્રક ગેસ કટર સહીત કંપનીના માલસામાન મળી કૂલ 45લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને તમામ 31 લોકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દમણમાં પોલીસે આ કંપની કોની માલિકીની છે અને કેટલા સમયથી બંધ છે તેમજ તેમાથી અત્યાર સુધીમા કેટલી ચીજવસ્તુઓની ચોરી થઇ છે તે અંગે પણ તપાસ હાથ ધરી છે.