વલસાડઃ તા.૧૬: આજે તા. ૧૬/૦૮/૨૦૨૦ના રોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચીંચપાડા ગામે પાંચ યુવાનો તણાયા હોવાના મીડીયામાં પ્રસારિત થયેલા સમાચાર સત્યથી વેગળા હોવાનું વલસાડ જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલે જણાવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર તા. ૧૩/૦૮/૨૦૨૦ ના રોજ ધરમપુર તાલુકાના માની ગામના (૧) સંતોષભાઇ શકારામભાઇ રાથડ (૨) ઉત્તમભાઇ તુળશીરામભાઇ નેવળ (૩) દિલીપભાઇ તુળશીરામભાઇ તથા (૪) વિલેશભાઇ વિઠૃલભાઇ રાથડ વાંસદા જંગલ ખાતે ગાયો ચરાવવા ગયા હતા.
પાછા વળતી વખતે આશરે બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ વાંસદા જંગલ અને માની ગામ વચ્ચે આવેલી પાર નદીના ચેકડેમ પરથી પસાર થતી વખતે તેઓ નદીમાં તણાયા હતા. ગામલોકોની મદદથી ત્રણ વ્યકિતઓને બચાવી લેવાયા હતા. જયારે વિલેશભાઇ વિઠૃલભાઇ રાથડ ઉ.વ ૧૮ નદીમાં તણાય ગયો હતો. જેની લાશ તા. ૧૫/૦૮/૨૦૨૦ ના રોજ ધરમપુર તાલુકાના ઢાંકવળ ગામની વચ્ચે આવેલી પાર નદી પરના પુલની પાસે મેણધા ગામની સીમમાં નદી કિનારેથી મળી આવી છે. વહીવટીતંત્ર તરફથી મૃતકના પરિવારને મળવાપાત્ર સરકારી સહાયની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું કલેકટરશ્રી દ્વારા જણાવાયું છે.