એક તરફ રાજ્ય સરકાર દ્વારા નદીઓની સફાઈ કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે વલસાડમાં ઔરંગા નદીને લઈ વલસાડ નગરપાલિકામાં સરેઆમ નદીને ગંદી કરી રહી છે. ઔરંગા નદીમાં આખાય વલસાડના કચરાને ઠાલવીને નદીને દૂષિત કરવામાં આવી રહી છે. નદીના પટમાં ડમ્પીંગ યાર્ડ બનાવીને નગરપાલિકા દ્વારા નદીને ખતમ કરવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ જણાઈ આવી રહ્યું છે. નદીને નર્કાગારમાં ફેરવી નાંખવામાં આવી છે. નદીનું પટ જીવતું દોઝખ બની ગયું હોવાનું લાગી રહ્યું છે.
વલસાડ નગરપાલિકાના તંત્રવાહકોએ નદીને દૂષિત-પ્રદૂષિત કરવામાં કોઈ કસર બાકી રાખી રહ્યા નથી. નઘરોળ તંત્ર દ્વારા નદીને ગંદી કરવાનું પાપ કરવામાં આવી રહ્યું છે અને ખુલ્લેઆમ નદીમાં વલસાડ નગરપાલિકાના ડમ્પરો દ્વારા કચરો ખાલી કરવામાં આવી રહ્યો છે તે જોતાં એવું લાગે છે કે તંત્રવાહકો અને અધિકારીઓએ નિર્લજ્જતા ધારણ કરી લીધી છે.
વિગતો મુજબ વલસાડ નગરપાલિકા બની ત્યારથી જ કચરાનો નિકાલ ઔરંગા નદીના પટમાં કરવામાં આવે છે એવું ખુદ વલસાજ નગરપાલિકાના પ્રમુખ પંકજ આહીરે વાતચીત દરમિયાન જણાવ્યું છે. ઔરંગા નદીના પટમાં પારડી પાસે ડમ્પીંગ યાર્ડ બનાવી નદીમાં શહેરભરની ગંદકી ઠાલલવામાં આવી રહી છે. પંકજ આહીર કહે છે કે ડમ્પીંગ યાર્ડ માટે અન્ય કોઈ જગ્યા મળી રહી નથી એટલે વર્ષોથી કચરાનો નિકાલ નદીના પટમાં જ કરવામાં આવી રહ્યો છે.
એક વાત દિવા જેવી સ્પષ્ટ છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની નદીઓને ચોખ્ખી કરવા માટે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે વલસાડ માટે મહત્વની મનાતી ઔરંગા નદીના પટમાં ડમ્પીંગ યાર્ડને ધમધમતું રાખીને નદીના પાણીને ગંદું કરવામાં આવી રહ્યું છે. જો ડમ્પીંગ યાર્ડને નદી પટમાંથી અન્યત્ર નહીં ખસેડવામાં આવે તો ખૂબ જ નજીકના ભવિષ્યમાં નદી ખતમ થઈ જવાની પણ દહેશત રહેલી છે. વલસાડ નગરપાલિકા દ્વારા ડમ્પીંગ યાર્ડને નદીના પટમાંથી સત્વરે ખસેડી લેવામાં નહીં આવે તો વલસાડના શહેરીજનોને નદીનો લહાવો મળશે નહીં એ પણ મીનમેખ છે.
ગુજરાત સરકારે ઔરંગા નદીમાંથી ડમ્પીંગ યાર્ડને ખસેડવા માટે તાત્કાલિક યુદ્વના ધોરણે ડમ્પીંગ યાર્ડ માટે નવા સ્થળની શોધ કરી વલસાડ નગરાપાલિકાના આંધળુકીયાને બંધ કરવાના આદેશ આપવાનો સમય પાકી ગયો છે. રાજ્ય સરકાર નદીને ગંદકીમાંથી ઉગારી લેવા માટે કાર્યવાહી કરશે એવી આશા વલસાડના નગરજનો સેવી રહ્યા છે.
નગરપાલિકાના નિયામકની કચેરી પહેલા ગાંધીનગર હતી પરંતુ હવે રિજીઓનલ કચેરી સુરત આવ્યા બાદ પણ પર્યાવરણને લગતા અને પર્યાવરણ માટે જોખમી કોઇ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. સરકારના કરોડો રૂપિયાનું આંધણ કોના શિરે? આવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.