વલસાડ થી મુંબઇ તરફ જતા નેશનલ હાઇવે પર ગેરકાયદેસર ડેરા તંબુ તાણી બેસેલા વેપારીઓ પર હાઇવે ઓથોરીટીએ લાલ આંખ કરી છે અને તેઓને હાઇવેની હદમાથી હટાવવા કવાયત હાથ ધરી છે
અમદાવાદ થી મુંબઇ તરફ જતા અને વલસાડ જિલ્લામાથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 8 પર હાલ કેરી, ઉંબાડીયા અને ઘર વપરાશની ચીજવસ્તુઓ તેમજ ફર્નિચરના ડેરા તંબુ તાણી વગર મંજૂરીએ વેપારના નામે ટ્રાફીક જામ અને અકસ્માત નોતરતા તમામ વેપારીઓના ડેરા તંબુ ખસેડી નાખવા કાર્યવાહી હાથ ધરાવાની હોવાની વિગતો મળી છે
આ અંગે હાઇવે ઓથોરીટીએ વિગતો આપી હતી કે અમારી પાસે વાપીના ભિલાડ તેમજ પારડી નજીક કેટલાક વેપારીઓને હાઇવેની હદમા રોજીરોટી માટે વેપાર કરવાની પરવાનગી માંગી હતી પરંતુ આ પરવાનગીના નામે સ્થાનિક વિસ્તારના સરપંચો, સભ્યો તેમજ કેટલાક લેભાગુ તત્વો હપ્તાવસૂલી કરતા હોવાની, ટ્રાફીક જામ અને અકસ્માતોના બનાવો બનતા હોવાની રાવ આવતા અમે આ અંગે તપાસ શરૂ કરી છે અને આગામી દિવસોમા હાઇવે પરના તમામ દબાણ દૂર કરવાની તૈયારી હાથ ધરી

ઉલ્લેખનીય છે કે હાલ ભિલાડ નજીક અને પારડી નજીક હાઇવેને સમાંતર બન્ને તરફ ૫૦- ૫૦ થી વધારે વેપારીઓ દ્નારા કેરીના, લાકડા, પાઇનમાંથી બનતી ખુરશીઓના, સ્વાદિષ્ટ ઉંબાડીયાના તેમજ ઘર સુશોભન માટેના પડદા, ચાદરના સ્ટોલ લગાવી વેપાર કરે છે પરંતુ ગેરકાયદેસર રીતે તાણેલા આ ડેરા તંબુઓને કારણે હાઇવે પર ટ્રાફીક જામ તેમજ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે આ અંગે હાઇવે ઓથોરીટીએ આવા ગેરકાયદેસરના દબાણો સામે લાલ આંખ તો કરી છે પરંતુ તે સાથે આવા દબાણો દૂર કરે તે પણ જરૂરી હોવાનું વાહન ચાલકો અને આસપાસના રહીશો માની રહ્યા છે.
