વલસાડ જિલ્લામાં ક્રાઇમરેટ વધતો જઇ રહ્યો છે અને ગુનેગારો બિન્દાસ બન્યા છે, વલસાડ શહેરમાં પણ પોલીસ ને ચેલેન્જ આપતા હોય તેમ ચોરી,મારામારી,જેવા બનાવો સામાન્ય બની ગયા છે અને જિલ્લામાં પણ લૂંટ,મર્ડર જેવી ગંભીર ઘટનાઓ ને જોતા જાણે વલસાડ પોલિસ નો ગુનેગારો ઉપર કોઈ કંટ્રોલ કે ધાક નહિ હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે. વાપીમાં 13 કરોડ ની મોટી લૂંટ નો ભેદ ઉકેલાયો નથી ત્યાંજ સરેઆમ ડબલ મર્ડર ની ઘટના બનતા ભારે ચકચાર મચી જવા પામી છે. વાપી ટાઉન ના ચાણોદ કોલોની વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બની છે. જેમાં અજાણ્યા બે બાઇકસવાર શખ્સોએ બે મહિલાઓની હત્યા કરી છે. મહિલાઓ ઘરમાં ટીવી જોતી હતી ત્યારે આ શખ્સોએ બંને મહિલાઓ પર અંધાધૂંધ ફાયરિંગ કરી હતી અને ફરાર થઈ ગયા હતા. પોલીસવડા સહિત જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન બે જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. મહત્વનું છે કે, બંને મહિલામાંથી એક મહિલા મહેમાન હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.ચાણોદ કોલોની, કાલી માતાના મંદિર પાસે 9 વાગ્યા ના સમયગાળામાં એક બાઈક પર આવેલા 2 અજાણ્યા ઈસમો એ બે મહિલા પર ફાયરિંગ કરી હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. હત્યાનો ભોગ બનનાર બંને મહિલાઓ પૈકી એકનું નામ રેખાબેન બ્રહ્મદેવ મહેતા જ્યારે અન્ય એક મહિલાનું નામ દુર્ગાબેન હોવાનુ જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી હતી પરંતું મોડે સુધી હત્યારાઓ ના કોઈ સગડ મળ્યા ન હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
Saturday, May 18