દેશના 70મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા રાષ્ટ્ર ધ્વજને ઉંધો ફરકાવવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલી એપીએમસી માર્કેટમાં પણ રાષ્ટ્ર ધ્વજના અપમાનની ઘટના બહાર આવી છે.
ધરમપુરના રહીશોએ વલસાડ કલેક્ટર અને પ્રાંત અધિકારીને લેખિત ફરીયાદ કરી જણાવ્યું કે 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધરમુપરના હાથીખાના બજાર સામેથી પસાર થતાં ધરમપુર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ(એપીએમસી માર્કેટ)માં તાળું જણાઈ આવ્યું હતું અને ફરજ પર કોઈ હાજર જોવા મળ્યું ન હતું. રાષ્ટ્ર ધ્વજ ઉંધો ફરકાવાયો હોવાનું ધ્યાને આવતા અધિકારીઓ અને માર્કેટના હોદ્દેદારોને ટેલિફોન પર જાણ કર્યા બાદ તેઓ છેક બે કલાક બાદ માર્કેટ ખાતે આવ્યા હતા અને ધ્વજને સીધો કરવાની કામગીરી કરી હતી.
ધરમપુરના રહીશોએ માંગ કરી છે રાષ્ટ્ર ધ્વજને ઉંધો ફરકાવી અપમાન કરનારા એપીએમસીના પ્રમુખ, સેક્રેટરી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. અત્રે નોંધનીય છે કે રાષ્ટ્ર ધ્વજના અપમાન બદલ ફોજદારી ગુનો બને છે.