વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જીગ્નેશ મેવાણીએ વલસાડની આરએમ વીએમ સ્કુલના નામે વિદ્યાર્થીને માર મારતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ મામલે હાઇકોર્ટેના આદેશના પગલે આજે જીગ્નેશ મેવાણી વલસાડ પોલીસમાં હાજર થયા હતા. પોલીસ સમક્ષ હાજર થતા પહેલાં જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે મારા ટ્વીટ થી સ્કૂલને કોઈપણ જાતની ઠેસ પહોંચી હોય તો સાડી સત્તર વખત માફી માગું છું, પીએમ નરેન્દ્ર ભાઇ માટે મારા દિલ માં જ્યારે પણ પ્રેમ ઉભરાયો છે ત્યારે મે એમને ટ્વીટ કર્યું છે. છેલ્લા બે વર્ષથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ છે ત્યારે કોઈ પગલાં ન લેવાયા મારી સામે કિન્નાખોરીથી પગલાં લેવાયા હોવાનું જીગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું હતું.
આ મામલે જીગ્નેશ મેવાણીએ હાઇકોર્ટમાં સોગંધનામું રજૂ કર્યુ હતું અને હાઇકોર્ટના આદેશથી વલસાડ પોલીસ સમક્ષ હાજર થયા હતા. ઉલ્લેખનીય છે કે શાળાનો આક્ષેપ હતો કે તેમણે આ વીડિયો મામલે અનેક વાર રજૂઆત કરી હોવા છતાં પોલીસે કાર્યવાહી કરી નહોતી.
મેવાણીએ કહ્યું હતું FIR ટકી નહીં શકે :
જ્યારે સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો ત્યારે જીગ્નેશ મેવાણીએ પ્રક્રિયા આપતા જણાવ્યું હતું કે આ ફરિયાદ પાયા વગરની એટલા માટે છે કે આ પ્રમાણેનો વીડિયો મારી સમક્ષ આવ્યો છે. આ વીડિયો વલસાડનો છે કે ઇજીપ્તનો છે ? શું કોઈ મને જણાવી શકે ? શું મને કોઈ જણાવી શકે મેં સીધો આક્ષેપ નથી કર્યો તે છતાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. છતાં મે શાળાના સંચાલકોને માઠું ન લાગે તેથી મેં માફી માંગી હતી. તેમ છતાં ગુનો દાખલ થયો હોવાથી આ એફઆઈઆર ટકી શકશે નહીં.