વલસાડ :- ઓખી ચક્રાવાતના પગલે વરસી રહેલા કમોસમી વરસાદથી વલસાડ જિલ્લામા ખેડૂતોને પાકમાં નુકસાનીની ભીતી સતાવી રહી છે. કમોસમી વરસાદથી આંબામા મોર, ચોરી, તુવર, ડાંગરને નુકસાન પંહોચ્યુ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
જિલ્લામાં ગત મોડી રાતથી પડી રહેલા કમોસમી વરસાદથી અન્ય ધંધા, રોજગારને માઠી અસર વર્તાઇ છે. તો સાથે સાથે ખેડૂતોએ વાવેલા કઠોળ અને બાગાયતી ફળોમાં પણ નુકસાની આવશે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. વલસાડ જિલ્લામાં શાકભાજી, કઠોળ અને બાગાયતી ફળો માટે શિયાળુ મોસમ ખૂબજ અનુકુળ મનાય છે. ત્યારે ઓખી ચક્રાવાતમાં વરસી રહેલા વરસાદથી જિલ્લામાં આંબે આવેલા મોરને નુકસાન થવાનું ખેડૂતો માની રહ્યા છે. તો શિયાળુ પાક તરીકે ચોરી, તુવર અને ક્યાંક બાકી રહેલા ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. એવી જ રીતે શાકભાજીમાં પણ કોબી, મરચા, દૂધી, ગલકા, ઘિસોડી જેવી શાકભાજીને પણ નુકસાન થયુ હોવાનું હાલના તબ્બકે ખેડૂતો માની રહ્યા છે. વરસાદથી ઇંટો પકવતા વેપારીઓની ઇંટ માટેનો કાચો માલ પણ પલળી જતા તેમણે પણ મોટા નુકસાનની ભીતી વ્યક્ત કરી હતી.