વલસાડ ભાજપનું આંતરિક તોફાન બંધ થવાનું નામ લેતું નથી. ભાજપના બેનરમાંથી ઉમેદવાર અને બે ટર્મના સાંસદ કેસી પટેલની બાદબાકી કરવામાં આવતા ભાજપમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. વલસાડ ભાજપમાં ગમે ત્યારે મોટો ભડકો થવાની શક્યતા નકારી શકાતી નથી.
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં ભાજપની જાહેરસભાના બેનર લગાડવામાં આવ્યા છે. બેનરો લાગ્યા બાદ તેમાંથી વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવાર અને બે ટર્મથી સાંસદ રહેલા કેસી પટેલનો ફોટો જ બેનરમાંથી ગાયબ જોવા મળ્યો હતો. વલસાડ ભાજપનું આ બેનર સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થતાં ભાજપના નેતાઓ દોડતા થઈ ગયા હતા અને ભૂલ પર મોટી ભૂલ એ કરી કે બેનરને બદલી કાઢવાના બદલે સોશિયલ મીડિયામાં કેસી પટેલનો ફોટો ઉમેરી ફેરવવામાં આવ્યો હતો.
વલસાડ ભાજપમાં કેસી પટેલ સામે આંતરિક વિરોધ અને અસંતોષ ભભૂકી રહ્યો છે. તેનો પડઘો વારેછાશવારે પડી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલાની જાહેરસભા પૂર્વે બેનરનો ફોટો વાયરલ થતાં કેસી પટેલના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ કેસી પટેલ વિરોધી લોકોએ આ ફોટોને વધુમાં વધુ પ્રસરાવી દીધો છે.