કોંગ્રેસના બે મહિલાએ ઉમેદવારી નોંધાવી
પારડી તાલુકા પંચાયત પર કોંગ્રેસે પાતળી બહુમતી મેળવ્યાં બાદ પંચલાઇ બેઠકના કોંગ્રેસના મહિલા સભ્યનું સભ્યપદ ત્રણ સંતાનોના મામલે રદ્ થયું છે. જેને લઇ પંચલાઇની ખાલી પડેલી બેઠક પર 21 ફેબ્રુઆરીએ પેટા ચૂંટણીની જાહેરાત થઇ છે. કુલ 22 બેઠકોમાંથી 12 કોંગ્રેસ પાસે અને 10 બેઠકો ભાજપ પાસે છે. ભાજપ પંચલાઇની બેઠક કબજે કરે તો સત્તાના સમીકરણ બદલાઇ શકે તેમ છે. જેને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ બેઠક પર ખરાખરીનો જંગ રહેશે.
પારડી તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી લીધી હતી, પરંતુ કોંગ્રેસે પાતળી સરસાઇ સાથે સત્તા હાંસલ કરી હતી. કુલ 22માંથી 12 કોંગ્રેસ અને 10 બેઠકો ભાજપ પાસે છે. ભાજપે સત્તા મેળવવા વચ્ચે કેટલાક કોંગ્રેસના સભ્યોને મનાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. ત્યારે પંચલાઇ બેઠકના કોંગ્રેસના મહિલા સભ્ય અંજનાબેન નારણભાઇ વિરુધ્ધ ત્રણ સંતાનો મામલે ફરિયાદ થઇ હતી. આ ફરિયાદની અનેક વખત સુનાવણી બાદ વિકાસ કમિશનરે તેમનું સભ્યપદ રદ્ કરવાનો હુકમ કર્યો હતો. જેને લઇ પંચલાઇ બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત થઇ છે. પારડી 13 પંચલાઇ અનુ.આદિજાતિ સ્ત્રી બેઠક પર 21 ફેબ્રુઆરીએ મતદાન થશે. જયારે 23 ફેબ્રુઆરીએ મતગણતરની પ્રક્રિયા હાથ ધરાશે। આ બેઠક કબજે કરવા ભાજપ અને કોં ગ્રસે મથામણ શરૂ કરી છે. એક બેઠક સત્તા બદલી શકે છે . આ એક બેઠકની ચૂંટણી તાલુકા પંચાયત પારડીની સત્તા બદલી શકે છે. કોંગ્રેસ આ બેઠક ગુમાવે તો તેમની પાસે કુલ 11 સભ્યો જ રહી જશે. જયારે ભાજપ એક બેઠક મેળવવા સાથે કુલ 11 બેઠકો પર પહોંચી જશે. બંને પક્ષો વચ્ચે ટાઇ થયા બાદ સત્તાના સમીકરણ બદલાઇ શકે છે. હાલ આ ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાઇ રહ્યો છે. પારડી તાલુકા પંચાયતની પંચલાઇની બેઠકની પેટા ચૂંટણી માટે આજરોજ કોંગ્રેસના બે ફોર્મ ભરાયા હતા ચેતનાબેન શુભાષભાઈ પટેલ, અને હરીઓમા રાજેશભાઈ પટેલ જેઓના બે ફોર્મ ભરાયા હતા. આ ફોર્મ ભરનાર સાથે કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, તાલુકા પ્રમુખ ગીતાબેન પટેલ, ભરતભાઈ પટેલ, હેમંત ભગત, શિવાજીભાઈ વગેરે હાજર રહ્યા હતા. સમગ્ર ચૂંટણીની કામગીરી પારડી મામલતદાર એચ એ પટેલે હાથ ધરી હતી