ગુજરાતમાં ફરી એકવાર મેધ મહેર શરૂ થઈ છે. આજે મંગળવારે વલસાડ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, મોરબી તેમજ રાજકોટના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા હતા. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામ તાલુકામાં બે કલાકમાં ૭.૧૬ ઈંચ અને દિવસ દરમિયાન ૯ ઈંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
મુંબઇમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વચ્ચે એકમની ભરતી વિકરાળ બનતા દરિયો પણ તોફાની બન્યો હતો, જયારે વલસાડના તિથલના દરિયામાં પણ ભરતીની અસર જોવા મળી હતી. તિથલના દરિયા કિનારે આશરે ૨૫થી ૩૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનની સાથે એકમની ભરતીના મોજા આશરે ૧૫ ફૂટ ઊંચા ઉછળ્યા હતા.