વલસાડ માહિતી બ્યુરોઃ તા.૦૭: રાજય સરકાર દ્વારા રાજયભરમાં લોકોના વ્યક્તિલક્ષી લાભોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય અને રાજ્ય વહીવટમાં પારદર્શિતા માટે પ્રતિબધ્ધ સરકારનો અહેસાસ કરાવવા પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવાની સાથે પ્રજાની વ્યકિતલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે રાજય સરકાર દ્વારા ત્રીજા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ શરૂ કરાયો છે. રાજય સરકારના શરૂ કરાયેલા સેવાસેતુ કાર્યક્રમ લોકોના વ્યક્તિલક્ષી લાભોના ઉકેલ માટે ખૂબજ ઉપયોગી નીવડી રહ્યો છે. આ કાર્યક્રમના ભાગરૂપે વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાની ચલા ઝોન કચેરી ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કલેક્ટરશ્રી સી.આર.ખરસાણે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, પ્રોપર્ટી કાર્ડનું મહત્ત્વ સમજાવી તેનો સૌ લાભ લે તે માટેનું સઘન આયોજન કરવા જણાવ્યું હતું. સેવાસેતુ કાર્યક્રમમાં આવનાર અરજદારને તમામ પ્રકારની મદદ કરી લાભ અપાવવાના પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં ૪૪ ઉપરાંત યોજનાને આવરી લેવામાં આવી છે. મહેસુલ દસ્તાવેજો, ૭/૧૨ની નકલો, રેશનકાર્ડ, આધારકાર્ડ, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય સહિત આવક, જાતિ, ક્રિમીલેયર, ડોમીસાઇલ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, સ્કોલરશીપના લાભો, વિજળી, પ્રોપર્ટીટેક્ષ, ગુમાસ્તાધારા, જન્મ મરણના દાખલા, ટાઉન પ્લાનીંગ, પાર્ટ પ્લાનની નકલ, બાજપાઇ બેંકેબલ યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના, સમાજકલ્યાણ વિભાગની યોજના હેઠળના વ્યકિતલક્ષી લાભો, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર સહિતના લાભો અરજદારોને હાથોહાથ અપાયા હતા.
સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્ટેમ્પ વેન્ડર, પીટીશન રાઇટર, ઝેરોક્ષ મશીન જેવી વધારાની સેવા, દિવ્યાંગો અને સિનીયર સિટીઝનો માટે અલગ વ્યવસ્થા સાથે આનુસાંગિક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી ઝાલા, મામલતદારશ્રી આર.આર.વસાવા, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ટીનાબેન હળપતિ, ઉપપ્રમુખશ્રી વિઠ્ઠલભાઇ પટેલ, નગરપાલિકાના ચીફ એફિસર શ્રી દર્પણ ઓઝા, નગરપાલિકા કારોબારી ચેરમેન, સભ્યશ્રીઓ, નગરજનો વગેરે હાજર રહ્યા હતા.