valsad ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર થતા તા. ૭ મે ૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. મતદાન મથકે મતદારો શાંતિથી તેમના મત નોંધાવી શકે તે માટે મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલા કોઈપણ વ્યકિતને વિવિધ કૃત્યો કરવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ આયુષ ઓક એ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૨ની કલમ – ૧૪૪ હેઠળ મળેલી સત્તાની રૂએ બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યા મુજબ, સમગ્ર વલસાડ જિલ્લાના વિસ્તારમાં તા. ૭ મે ૨૦૨૪ના રોજ મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલા વિસ્તારમાં કોઈ પણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય વ્યક્તિને નીચેના કૃત્યો કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. ૧) મત માટે પ્રચાર કરવો, ૨) મતદારોને ધાક-ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા, ૩) કોઈ મતદારને મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવી, ૪) અમુક ઉમેદવારને મત આપવા માટે કોઈ મતદારને સમજાવવા, ૫) કોઈ મતદારને ચૂંટણીમાં મત ન આપવા સમજાવવા, ૬) ચૂંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટિસ કે નિશાની પ્રદર્શિત કરવી, ૭) સેલ્યુલર/ મોબાઈલ ફોન, કોડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને અન્ય વિજાણું સંદેશા વ્યવહારના સાધનો લઈ જવાની ૮) વાહનો સાથે આવવું (પરંતુકઃ અપંગ/અશક્ત વ્યક્તિઓને લાગુ પડશે નહી) અને ૯) મતદાન મથકમાં મતદાન માટે આવેલા મતદાર, ઉમેદવાર તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલી વ્યકિત સિવાયની વ્યક્તિએ પ્રવેશ કરવો, કૃત્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષા થઈ શકશે.
ઉપરાંત આવુ ઈન્સ્ટ્રુમેન્ટ/મોબાઈલ કબજે લઈ શકાશે અને જાહેરનામાનો ભંગ થયેથી વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓને ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવ્યા છે. આ જાહેરનામામાં મતદાન મથક પર ફરજ બજાવતા કાયદો અને વ્યવસ્થા સંભાળતા અધિકારી, સિક્યુરિટીના માણસો, ચૂંટણી આયોગ દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વરો તથા મતદાન કેન્દ્રના ઈન્ચાર્જ અધિકારીઓને માત્ર તેમની ફરજ પુરતી જ છુટ રહેશે એવુ અપવાદ રૂપે જણાવાયું છે.