વલસાડ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાં જ વલસાડ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૭ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી સી.આર. ખરસાણની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી સી.આર.ખરસાણે ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે બાબતે આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પણે પાલન થાય તે માટે ભારતીય ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ અનુસરવા જણાવ્યું હતું. તેમણે એ.આર.ઓ તેમજ નોડલ અધિકારીઓ સાથે તેમના દ્વારા ચૂંટણીલક્ષી કરવાની કામગીરી બાબતે જરૂરી સૂચનો પણ કર્યાં હતાં. ફલાઇંગ સ્કવોડ, પેઇડ ન્યુઝ ઉપર નજર રાખવા, વાહન વ્યવસ્થા, કર્મચારીઓની અદ્યતન યાદી કરવા, મતદારયાદીની પુરવણી બનાવવા, નવા બનેલા મતદાન મથકોની ચકાસણી કરવાની સાથે ચૂંટણી કમિશન દ્વારા અમલમાં મૂકાનાર વિવિધ પોર્ટલની જાણકારી લોકો સુધી પહોંચાડવા તેમજ ચૂંટણી અંગેની રોજે-રોજની માહિતી સમયસર મોકલવા માટે રીટનીંગ ઓફિસર અને મદદનીશ ચૂંટણી અધિકારીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુનિલ જોષી, નિવાસી અધિક કલેકટર શ્રી આઇ.જે.માલી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.એમ.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદાર શ્રીઓ તથા અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.