રાજ્યસભાની ચૂંટણીનો ધમધામટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચના નોટીફિકેશનને રદ્દબાતલ જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે ત્યારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય શું આવે છે તેની રાહ જોવામાં આવી રહી છે. સંભવત: આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનારી છે.
સુપ્રીમ કોર્ટમાં શું જજમેન્ટ આવે છે તેના પર કોંગ્રેસીઓની મીટ મંડાયેલી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા આક્સિમક સ્થિતિમાં ઉમેદવારો અંગે નિર્ણય લેવામાં આવે તેવા સંજોગોમાં પૂર્વ તૈયારીરૂપે રાજ્યસભાના ઉમેદવારોની પેનલ બનાવવામાં આવી છે.
કોંગ્રેસની પેનલમાં વલસાડ કોંગ્રેસના સિનિયર આગેવાન ગૌરવ પંડ્યાનું નામ પણ હોવાનુ જાણવા મળી રહ્યું છે. ગૌરવ પંડ્યા કોંગ્રેસના સંગઠનમાં વર્ષોથી સક્રીય રહ્યા છે અને અહેમદ પટેલના ચૂસ્ત ટેકેદારોમાં તેમની ગણના થાય છે.
રાજ્યસભાની કોંગ્રેસની પેનલમાં ગૌરવ પંડ્યાનું નામ આવતાં વલસાડ ખાતે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગૌરવ પંડ્યા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં પણ વિવિધ હોદ્દાઓ ધરાવે છે.