વલસાડ :- અવારનવાર અનેક મુદ્દે વિવાદમા રહેતી વલસાડ નગરપાલિકા હવે નવા વિવાદમાં સપડાઇ છે. નગરપાલિકાના નવા બિિલ્ડીંગના વિજ બિલ પેટે બાકી ૨૩૬૦૫ રૂપિયાની રકમ ના ભરાતા દક્ષિણ ગુજરાત વિજ કંપનીએ લાઇટ કનેકશન કાપી નગરપાલિકામાં અંધારુ કરૂ દીધુ છે. અને પાલિકાના સત્તાધીશોને ધોળે દિવસે તારા દેખાડ્યા છે.
વલસાડ નગરપાલિકામાં અધ્યતન સુવિધાઓ સાથે નવુ પાલિકા બિલ્ડીંગ નિર્માણ કરવામાં આવ્યું છે. અને થોડાક મહિનાઓ પૂર્વે જ ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલના હસ્તે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે બનેલા પાલિકા બિલ્ડીંગમાં એક મહિનાનું લાઇટ બીલ ૨૩૬૦૫ રૂપિયા આવ્યું હતુ જે પાલિકાના સત્તાધીશો દ્વારા ના ભરાતા દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડના અધિકારીઓએ આજે પાલિકા બિલ્ડીંગનું વિજ કનેકશન કાપી નાખ્યું હતુ. જેને લઇને વલસાડના નાગરીકો અને નગરપાલિકાના નગર સેવકોમાં ચકચાર સાથે હાસ્યનું મોજુ ફરી વળ્યું છે. વલસાડ નગરપાલિકામાં વિવિધ હાઉસ ટેક્સ, ગટર, પાણી ટેક્સ સહીતના ટેક્ષ પેટે વર્ષે ૭ કરોડની મહેસૂલી આવક થાય છે. ત્યારે એક મહિનાનું માત્ર ૨૩૬૦૫ રૂપિયાનું વિજ બિલ ના ભરી શકતા વિજ કનેકશન કપાયું હતું. અવારનવાર ભ્રષ્ટાચાર સહીતના વિવિધ મુદ્દે ગાજતી રહેતી નગરપાલિકા હવે વિજ કનેકશન કટના મુદ્દે ફરી વિવાદમાં સપડાઇ છે. અને અદ્યતન પાલિકાના બિલ્ડીંગમાં અંધારુ પથરાઇ ગયુ છે. જો કે પાલિકાના સત્તાધીશોએ વહેલી તકે લાઇટબીલ ભરી વીજકનેક્શન ચાલુ કરવા તજવીજ હાથ ધરી છે.