વલસાડ : વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૧૭ ની ગત તા. ૨૫/૧૦/૧૭ ના રોજ જાહેરાત થતાં જ વલસાડ જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિસ્તારની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને વલસાડ કલેકટરશ્રી સી.આર.ખરસાણે વલસાડ જિલ્લાના રાજકીય પક્ષો સાથે એક બેઠક યોજી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ખરસાણે જિલ્લાના તમામ રાજકીય પક્ષોને આ તબક્કે ચૂંટણી પંચના ધારાધોરણો અને નિર્દેશ અનુસાર વલસાડ વિધાનસભા મતદાર વિસ્તારમાં મુકત, નિષ્પક્ષ અને ન્યાપી વાતાવરણમાં ચૂંટણી યોજવા અંગેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાઇ છે એમ જણાવ્યું હતું. વધુમાં વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિસ્તારના કુલ મતદારોની સંખ્યા, જિલ્લાના વિધાનસભા વિસ્તાર પ્રમાણે રીટર્નીંગ ઓફિસરો, ઝોનલ ઓફિસરો તેમજ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓની વિગતો, વિધાનસભા મતદાર વિસ્તારમાં સમાવિષ્ટ કુલ મતદારો અને મતદાન મથકોની વિગતો આપી હતી. આદર્શ આચારસંહિતાના અમલમાં દરેક પક્ષને સહયોગ આપવા તેમણે અનુરોધ કર્યો હતો.
શ્રી ખરસાણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં પ્રથમ વખત ઉપયોગમાં લેવાનાર વીવીપેટ સહિત ઇવીએમથી કરવા બાબતે પ્રત્યક્ષ નિદર્શન દ્વારા ગામેગામ પ્રસિદ્ધિ કરવામાં આવશે. આ ઉપરાંત આ અંગેના હોર્ડિગ્સ, બેનર્સ વગેરે પણ વિવિધ સ્થળોએ લગાડવામાં આવનાર છે તેમ જણાવ્યું હતું. આ સામાન્ય ચૂંટણી માટે સીંગલ વીન્ડો સીસ્ટમ અંતર્ગત તમામ રાજકીય પક્ષોએ લેવાની થતી તમામ પરવાનગીઓ એક જ જગ્યાએ અને સ્થળે મળી રહે તે માટે વિધાનસભા વિસ્તાર મુજબ રેવન્યુ, પોલીસ, તથા નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના એક સભ્ય તમામ વ્યકિતઓ એક જ જગ્યાએ રહી સંબધિત પરવાનગીઓ એક જ અરજીમાં દર્શાવેલ વિષય મુજબ જેની પરવાનગીની જરૂર હોય તે દર્શાવીને રજૂ કરે તો તુર્ત જ તેમને એક જ સ્થળેથી મળી શકશે એમ જણાવ્યું હતું.
ચૂંટણી દરમિયાન સરકારી વાહનોનો પક્ષના પ્રચારમાં ઉપયોગ ન થાય તે માટે પણ સતત નિરીક્ષણ કરવામાં આવશે, તેમજ આ અંગે જો કોઇને જાણકારી મળે તો ત્વરિત કાર્યવાહી થાય તે હેતુસર સત્વરે ચૂંટણી કંટ્રોલ રૂમને સત્વરે જાણ કરવા પણ જણાવ્યું હતું. બેઠકમાં રાજકીય પક્ષોને પક્ષ તથા ઉમેદવારોના જરૂરી ચૂંટણી ખર્ચ સંબધિત માહિતી આપતા ખર્ચ નિયમન અંગેના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગૌરાંગ મકવાણા તમામ પક્ષોને માહિતી આપી હતી. શ્રી મકવાણાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સંબધિત પક્ષના ઉમેદવારે તેમના નોમિનેશન થાય તે દિવસથી જ તેમના ખર્ચ અંગેનું એક શેડો રજીસ્ટર નિભાવવાનું રહેશે જેમાં ઉમેદવારે રોજરોજના તેમના ચૂંટણી સંબધી ખર્ચનો સમાવેશ કરવાનો રહેશે આ ખર્ચ સંબધિત તમામ ચીજવસ્તુઓના જે ભાવો સરકારશ્રી તરફથી નક્કી થયેલા છે તેની એક નકલ તમામ પાર્ટીઓને આપી હતી તેમાં દર્શાવ્યા મુજબ જ ખર્ચની બાબત ધ્યાને લેવા જણાવ્યું હતું. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી આર.એમ.રાવલીયાએ ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા વાહનોના રેટ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુનિલ જોષી, નિવાસી અધિક કલેક્ટરશ્રી આઇ.જે.માલી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.એમ.પટેલ, મામલતદારશ્રી પી.એસ.ઉપાધ્યાય વગેરે હાજર રહયા હતા.