વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હંગામો થયો હતો. વલસાડ નગરપાલિકામાં ભાજપના પ્રમુખની સામે ભાજપના કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો હતો. ખાસ કરીને નગરપાલિકાની ટીપી કમિટીના ચેરમેન હેતલ પટેલ તથા સદસ્યા નિમિષા ટંડેલ દ્વારા ટીપીની મીટીંગનો એજન્ડા મળતો ન હોવાની બૂમરાણ મચાવી દેતાં સામાન્ય સભામાં ભાજપ વર્સીસ ભાજપનો માહોલ સર્જોયો હતો.
સામાન્ય સભાની શરૂઆત થતાં પૂર્વે જ ભાજપની બન્ને મહિલા કોર્પોરેટરો એજન્ડાની નકલના મામલે સવાલ ઉભા કર્યા હતા અને ચીફ ઓફીસર સામે આરોપોનો મારો ચલાવ્યો હતો. એજન્ડાની નકલ મળતી ન હોવાની ફરીયાદ કરવામાં આવતાં જ ભાજપના અન્ય કોર્પોરેટરો પણ બન્ને મહિલા કોર્પોરેટરોની રજૂઆતમાં જોડાયા હતા. ચીફ ઓફીસર દ્વારા ભાજપના કોર્પોરેટરો દ્વારા થઈ રહેલા હોબાળા અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. જેને લઈને સભામાં માહોલ વધુ ગરમાયો હતો.
શાસક ભાજપના કોર્પોરેટરોએ હોબાળો કર્યો તો સાથો સાથ અપક્ષ કોર્પોરેટરો પણ પાછીપાની કરી ન હતી. ચાલુ સામાન્ય સભામાં શાસક ભાજપ અને અપક્ષના સભ્યોએ એજન્ડા મામલે ભારે વિરોધ કરી અધિકારીઓ ગાંઠતા ન હોવાની ફરીયાદ કરી હતી. આ ઉપરાંત સામાન્ય સભાનો પ્રારંભ થાય તે પહેલાં જ એજન્ડા પર ચર્ચા કરતા અટકાવવામાં આવ્યા હતા અને સ્થિતિ વધારે બગડી હતી. સતત થઈ રહેલા હોબાળાના કારણે સામાન્ય સભાની કામગીરી ખોરવાઈ જવા પામી હતી અને સભા શરૂ કરી શકાઈ ન હતી.
મહત્વની વાત એ છે કે ટીપી કમિટીના ચેરમેન એજન્ડા મળ્યો ન હોવાની ફરીયાદ કરી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે મીટીંગ બાદ તેમણે શા માટે ઠરાવ પર સહી કરી છે. આવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સામાન્ય સભાને ભાજપના જ કોર્પોરેટરો દ્વારા માથે લેવામાં આવતા વલસાડ નગરપાલિકામાં ભાજપની સામે ભાજપ જ હોવાની સ્થિતિનું નિર્માણ થયું હોવાનું લાગી રહ્યું છે.