વાપી જીઆઈડીસીના નોટિફાઇડ વિસ્તારમાં લોકડાઉન દરમિયાનએક સલૂન એન્ડ બ્યુટી પાર્લરમાંથી પોલીસે 3 મહિલા અને સલૂન સંચાલક, ગ્રાહક સહિત 11 જણા ની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા. હાલ સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાઇરસને લઈ લોકડાઉન ચાલી રહ્યું છે. માત્રને માત્ર જીવન જરૂરી વસ્તુઓ માટે અમુક જ દુકાનોને પરવાનગી અપાઈ છે. જો કે, સરકારના આ નિયમનો સમગ્ર વલસાડ જિલ્લામાં કડકપણે અમલ થઈ રહ્યો છે. છતાં વાપીના જીઆઈડીસી વિસ્તારમાં લોકડાઉનના નિયમનો સરેઆમ ભંગ કરી સલૂન અને સ્પા બ્યુટી પાર્લર ધમધમતું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ વાપીના નોટિફાઇડ વિસ્તારમાં અમીધારા કોમ્પ્લેક્ષ આવેલું છે. તેના ગ્રાઉન્ડ ફ્લોરમાં ધ સેસન્સ વુમન્સ સલૂન એન્ડ સ્પા બ્યુટી સેન્ટર લક્ષ્મીલાલ ઉર્ફે લાખન સેન નામનો વ્યક્તિ ચલાવતો હતો. હાલમાં લોકડાઉનને લઈ વલસાડ કલેકટર દ્વારા જીવનજરૂરી વસ્તુઓ માટે જ અમુક દુકાનો ને મંજૂરી અપાઈ છે. તે સિવાયની તમામ દુકાનો બંધ છે. સંચાલક લાખન સેન લોકડાઉનના નિયમોનો ભંગ કરી પોતાના સલૂન એન્ડ સ્પા બ્યુટી પાર્લરનું અડધુ શટર ખોલી બેધડક ગ્રાહકોને મસાજ કરી આપતો હતો. છેલ્લા કેટલાય દિવસથી આ ધંધો ધમધમતો હોવાની બાતમી જીઆઇડીસી પોલીસને મળતાં પીએસઆઈ વનાર તેમની ટીમ સાથે લાખન સેનના સલૂન એન્ડ સ્પા બ્યુટી પાર્લરમાં ધસી ગયા હતા. પોલીસે પાર્લરમાંથી 3 મહિલા સહિત ગ્રાહકો, કારીગરો અને સંચાલક મળી કુલ 11ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસે કલેકટરના જાહેરનામાનો ભંગ અને એપેડમિક ડીસીઝ એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.