જાગૃત નાગરિકની ફરિયાદ પર કાર્યવાહી: વલસાડના રિલાયન્સ સ્માર્ટ બજારમાંથી એક્સપાયરી માલ ઝડપાયો, ફૂડ સેફટી ઓફિસરે નાશ કરાવ્યો.
વલસાડના છીપવાડ ખાતે આવેલા રિલાયન્સ સ્માર્ટ બજારમાં હલકી ગુણવત્તા તથા એક્સપાયરી તારીખ વાળી ખાદ્ય ચીજોનું ડીસ્કાઉન્ટમાં વેચાણ કરવામાં આવતુ હોવા અંગેની ફરિયાદ એક જાગૃત નાગરિક દ્વારા વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં કરવામાં આવી હતી.

આ ફરીયાદના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર એ.આર.વલવીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફટી ઓફિસર કુ. બી.કે. પટેલે ટીમ સાથે રિલાયન્સ સ્માર્ટ બજારમાં તપાસ હાથ ધરી એક્સપાયરી ડેટ વાળી ૯ ચીજ વસ્તુઓ જેવી કે, ઘી, બિસ્કીટ, ચીપ્સ, જિંજર પેસ્ટ અને નુડલ્સ સહિતની ખાદ્ય સામગ્રી કે જેની કિંમત 3064 રુપિયા થાય છે તેનો રૂબરૂમાં નાશ કરાવ્યો હતો.
આ ઉપરાંત બે એન્સફોર્ટમેન્ટ નમુના તથા પાંચ સર્વેલન્સ નમુનાની સેમ્પલીંગની કામગીરી કરી કરી આ નમૂનાઓ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. ફૂડ સેફટી ઓફિસર દ્વારા રિલાયન્સ સ્માર્ટ બજારના સંચાલકને એક્સપાયરી પ્રોડક્ટને ડીસ્પ્લેમાં ન રાખવા તથા તેનો નાશ કરવા માટે કડક સૂચના આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
