વાપી: કંપનીના સંચાલક પાસેથી ખંડણી વસૂલવાના મામલામાં ચાર પત્રકારો સામે ફરિયાદ નોંધાઈ
વાપી: વાપીના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક કંપનીના સંચાલક પાસેથી ખંડણીની માંગણીના આરોપમાં ચાર પત્રકારો સામે ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે પત્રકારોએ કંપનીની બહાર ભરાયેલા વરસાદી પાણીમાં કેમિકલ મિશ્રિત હોવાનો આરોપ મૂકી કંપની બંધ કરાવવાની ધમકી આપી અને ₹60,000 ની માંગણી કરી હતી. હાલમાં પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
ઘટનાનો વિગતવાર વર્ણન: કંપનીના સંચાલક રાજકુમાર ભીરૈયાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા અનુસાર ચોમાસાના સમયમાં કંપનીની બહાર ભરાયેલા વરસાદી પાણીમાં કેમિકલ હોવાનો દાવો કરીને ચાર વ્યક્તિઓએ પોતે પત્રકાર હોવાનું કહી હેરાનગી શરૂ કરી હતી. તેમણે જણાવ્યું કે જો માંગેલી રકમ નહિ આપવામાં આવે તો તેઓ સામે કાનૂની કાર્યવાહી કરાવશે અને કંપની બંધ કરાવી દેશે.
ખંડણીની માંગ અને ચુકવણી: આ આરોપીઓએ સંચાલક પાસેથી ₹60,000 ની ખંડણી માંગેલી. ડરના કારણે સંચાલકે તેમને Google Pay મારફતે બે વખત ₹7,500-₹7,500 કરેલ ચુકવણી કરી હતી. તેમ છતાં આરોપીઓ બાકીના ₹45,000 માટે દબાણ કરતા રહ્યા અને સતત ધમકીભરા ફોન કરતા રહ્યા. આટલી હદ સુધી પરેશાન થયા પછી સંચાલકે આખરે પોલીસનો આશરો લીધો.
પોલીસ તપાસ શરૂ: ફરિયાદ મળ્યા બાદ ઉદ્યોગનગર પોલીસએ ચારેય આરોપીઓ સામે ખંડણી માંગવા અને ધમકી આપવાના ગુના હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે Google Payના ટ્રાન્ઝેક્શન અને કોલ ડિટેલ્સ એકઠા કર્યા છે. આ બનાવ પત્રકારિતાની દુનિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે આવા થોડાક લોકોના કૃત્યોથી આખા પત્રકાર સમુદાયની છબી દૂષિત થાય છે.
પોલીસનું કહેવું છે કે મામલાની ગંભીરતાથી તપાસ થઈ રહી છે અને આરોપીઓને જલ્દી જ ઝડપીને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના વાપીના ઔદ્યોગિક વિસ્તારમાં ચાલી રહેલી અવૈધ પ્રવૃત્તિઓ પર પણ અનેક સવાલો ઊભા કરે છે.
અપરાધમાં સામેલ પત્રકારોમાં મેરુ ગઢવી, આલમ શેખ, અવિનિશ શર્મા અને જીતુ વાડવેકરનો સમાવેશ થાય છે, જે બધા યૂટ્યુબ પત્રકારો અને વેબસાઇટ પત્રકારો છે, જે કંપનીઓમાં જઈને ખંડણી માંગતા હતા.