Video દિવ્યા દેશમુખ ચેસ મહિલા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં, હરિકા પર ટાઇબ્રેકમાં જીત મેળવી ભાવુક બની
Video ભારતની ઉદયીમાન ચેસ સ્ટાર અને આંતરરાષ્ટ્રીય માસ્ટર દિવ્યા દેશમુખે ચેસના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. તેમણે FIDE મહિલા વર્લ્ડ કપ 2025ની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવીને પોતાનું નામ ચમકાવ્યું છે. કોનેરુ હમ્પી બાદ સેમિફાઇનલમાં પહોંચનાર બીજી ભારતીય બની, દિવ્યાએ વર્તમાનમાં ભારતની ટોચની ગ્રાન્ડમાસ્ટરમાંથી એક ડી. હરિકા પર ટાઈ-બ્રેકમાં શાનદાર વિજય મેળવી, વિશ્વ ચેસ જગતનું ધ્યાન ખેંચ્યું છે.
ક્લાસિકલ ફોર્મેટની બે રમત ડ્રો રહી હતી, જેને કારણે મેચ રેપિડ ટાઈ-બ્રેક સુધી ગઈ. તંગ પરિસ્થિતિમાં પણ દિવ્યાએ શાંતિ જાળવી રાખી. પ્રથમ ટાઈબ્રેક ગેમમાં દિવ્યાએ દૃઢ નિશ્ચય અને ગણતરીથી રમત જીતી લીધી. આ જીતે હરિકા પર વધુ દબાણ ઉભું કર્યું અને બીજી ટાઈબ્રેક ગેમમાં પણ દિવ્યાએ વિજય મેળવ્યો. બંને ટાઈબ્રેક મેચ જીતી દિવ્યાએ 2-0થી જીત મેળવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. જીત બાદ દિવ્યા એટલી ભાવુક થઈ ગઈ કે ભાવનાવશ થઈ ગઈ અને તેના આંખમાં આંખો આવી ગઈ.
Divya Deshmukh is overwhelmed with emotions as she beats Harika Dronavalli 2-0 in tiebreaks to reach a Women's World Cup semifinal against Tan Zhongyi! https://t.co/t9GrIeQbzR pic.twitter.com/zwoYoRJPf1
— chess24 (@chess24com) July 21, 2025
હરિકા અગાઉ ત્રણ વાર વર્લ્ડ કપની સેમિફાઇનલ સુધી પહોંચી છે, પરંતુ આ વખતે દિવ્યાએ તેમને આગળ વધવા ન દીધા. હવે, કોનેરુ હમ્પી અને દિવ્યા દેશમુખ – બંને ભારતીય ખેલાડીઓ – મહિલા વર્લ્ડ કપના છેલ્લાં ચારમાં પહોંચ્યા છે. આ ભારત માટે એક મોટી સિદ્ધિ છે, ખાસ કરીને મહિલા ચેસ માટે, જ્યાં પુરુષો વધુ પ્રભાવશાળી રહ્યા છે.
દિવ્યાની આ સિદ્ધિએ તેમને 2026ના મહિલા ઉમેદવારી ટુર્નામેન્ટમાં સ્થાન અપાવ્યું છે. આ ટૂર્નામેન્ટમાંથી પસંદ થનારી ખેલાડી, વર્તમાન મહિલા વર્લ્ડ ચેમ્પિયન – ચીનની જુ વેનજુન સામે રમશે.
હવે સેમિફાઇનલમાં કોનેરુ હમ્પીનો મુકાબલો ચીનની ટોચની ક્રમાંકિત લેઈ ટિંગજી સામે થશે, જ્યારે દિવ્યા દેશમુખ ચીનની ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન તાન ઝોંગયી સામે ટકરાશે.
આ જીત ભારતીય ચેસ માટે ગૌરવનો ક્ષણ છે અને દિવ્યા માટે એક ઐતિહાસિક સિદ્ધિ – જ્યાં તેમને માત્ર પોતાનું નહીં પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કર્યું.