ઝરપરા ગ્રામપંચાયતમાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાના આક્ષેપ સાથે કચેરીને પેટ્રોલ નાખીને સળગાવી નાખવાની ધમકી
મુન્દ્રા તાલુકાના ઝરપરા ગ્રામપંચાયત કચેરીને પેટ્રોલ નાખીને સળગાવી નાખવાની ધમકી ગામના જ એક શખસ દ્વારા આપવામાં આવી હતી. જેના પગલે ગ્રામપંચાયતના મહિલા તલાટીએ તે શખસ સામે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ગ્રામપંચાયતમાં અરજી આપવાના બહાને આવીને શખસે ઉગ્ર બોલાચાલી કરી
ઝરપરા ગ્રામપંચાયતના તલાટી રાજલ જયદેવ રત્નું (ગઢવી)એ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામનો રહેવાસી રતમ મંગા ગઢવીએ ગ્રામ પંચાયતના સરપંચ કે વહીવટી ટીમ સાથે કોઇ અંગત મનદુઃખ કે રાગદ્વેષ રાખીને જાન્યુઆરી ૨૦૨૫થી ગ્રામપંચાયત સાથે વિવિધ વિખવાદો ઉભા કરવાનો પ્રયાસ કરે છે. વારંવાર ગ્રામપંચાયતમાં આવીને બબાલ કરી રહ્યો છે. સોમવારે તેણ અરજી આપી હતી. જેમાં એમ.આર.ગઢવીને પાંચ દિકરાઓ છે તેને આજ દિન સુધી ૧૦૦ ચો.મીટર પ્લોટ મળ્યો નથી. આ અંગે ઝરપરા ગ્રામપંચાયતમાં ભ્રષ્ટાચાર ચાલે છે તેવી રજૂઆતો કરીને એકાદ કલાક સુધી બોલાચાલી કરી હતી. બાદમાં તેણે ધમકી આપી હતી અને પાંચ લીટર પેટ્રોલ લઇ આવીને ગ્રામપંચાયત કચેરીને સળગાવી નાખવાની ધમકી આપી હતી.
અરજદારે પુછેલી તમામ માહિતી ગ્રામપંચાયત દ્વારા આપવામાં આવી હતી
આ અંગે તલાટી રાજલ રત્નુંએ જણાવ્યું હતું કે, આરોપી રતન ગઢવી દ્વારા ઝરપરાને મુંઝવતા પ્રશ્નો, ૧૦૦ ચો.મી. પ્લોટોની ફાળવણી, વેચાણ અંગે તેમજ ગૌચર માપણી તથા દબાણ સહિતના મુદ્દાઓ અંગે અ૨જી આપવામાં આવી છે અને ગ્રામપંચાયત દ્વારા તેના જવાબો પણ આપવામાં આવ્યા છે. જોકે તેમ છતાં તેણે સોમવારે ગ્રામપંચાયતમાં આવીને મુખ્ય તલાટી, સહ તલાટી અને ઉપસરપંચની હાજરીમાં તલાટી સાથે બોલાચાલી કરીને પંચાયતને પેટ્રોલ નાખીને સળગાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે મુન્દ્રા પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.