Vishwas Kumar Ramesh: વિમાન દુર્ઘટનામાં બચેલા એકમાત્ર વિશ્વાસ કુમારની માનસિક સ્થિતિ: કોઈ સાથે વાત નથી કરી શકતો

Arati Parmar
3 Min Read

Vishwas Kumar Ramesh: મનોચિકિત્સકની સહાયથી ધીરે ધીરે આગળ વધવાનો પ્રયાસ

Vishwas Kumar Ramesh: 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મૃત્યુ થયા હતા. માત્ર એક મુસાફર — વિશ્વાસ કુમાર રમેશ — આ ભયંકર દુર્ઘટનામાં જીવતા બહાર આવ્યા. દુનિયાએ તેમને “સૌથી નસીબદાર” માની લીધો, પરંતુ તેમની માટે એ કાળમય ક્ષણ હજુ પણ જીવંત છે.

“એમ્બ્યુલન્સ સુધી જાતે પહોંચ્યો, પણ મન શાંત નથી”

વિશ્વાસ બ્રિટિશ નાગરિક છે અને પરિવારને મળવા ભારત આવ્યા હતા. તેઓ દુર્ઘટનાની ક્ષણે પોતાના ભાઈ અજય કુમાર રમેશ સાથે હતા, જેમનું ઘટનામાં મૃત્યુ થયું. ભાઈના ગુમાવવાના આઘાતથી વિશ્વાસ હજુ પણ બહાર આવી શક્યા નથી.

Vishwas Kumar Ramesh

રાતે ઊંઘ આવતી નથી, વાતચીતથી પણ અંતર રાખે છે

વિશ્વાસના પિતરાઈ ભાઈ સનીએ જણાવ્યું કે, અકસ્માત પછી વિશ્વાસની ઊંઘ ઊડી ગઈ છે. તે મધરાતે જાગી જાય છે, કોઈ સાથે વાત કરતો નથી અને જુના દૃશ્યો યાદ કરી નાખે છે. તેઓ હાલ એક મનોચિકિત્સકની મદદ લઈ રહ્યા છે, તેમ છતાં હજુ સુધી લંડન પરત ફરવાનો નિર્ણય નથી લીધો.

વિમાની સીટના સ્થાનથી મળ્યું જીવનદાન

વિશ્વાસે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેમનું જીવનદાન તેમની સીટના સ્થાનને કારણે થયું. તેમનું બેસવાનું સ્થાન એ ભાગમાં હતું જે બિલ્ડિંગ સાથે અથડાયું હતું પણ સીધું જ જમીન તરફ પડ્યું. દુર્ઘટનાથી થોડી જ સેકંડ પહેલા તેઓ વિમાનમાંથી બહાર નીકળી ગયા. તેમનો ડાબો હાથ બળી ગયો છે, પરંતુ તેઓ જીવતા બચી ગયા.

Vishwas Kumar Ramesh

“મારી સામે બધું બળી રહ્યું હતું…”

વિશ્વાસે દુર્ઘટનાનો મર્મસ્પર્શી વર્ણન આપતા કહ્યું કે, “મારી સામે બે એર હોસ્ટેસ, એક કાકા-કાકી અને બીજા મુસાફરો બળી રહ્યા હતા. હું કાટમાળમાંથી કેવી રીતે બહાર નીકળ્યો એ હું પણ નથી સમજી શકતો. જો થોડી સેકંડ પણ મોડું થયું હોત, તો કદાચ હું પણ બળી ગયો હોત.”

અહીંથી આગળ… માનસિક પુનઃસ્થાપનનો લાંબો માર્ગ

વિશ્વાસ હજુ પણ ઘરમાં સ્નેહીઓથી દૂર રહે છે. પરિવારજનોએ તેમને સંભાળવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ઘટના પછી તેમના અંદર ભય અને દુઃખ બેસી ગયું છે. હવે તેઓ ધીરે ધીરે મનોચિકિત્સક સહાયથી જીવનમાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વિશ્વાસ કુમાર રમેશનો બચાવ દુર્ઘટનાની કહાનીમાં ચમત્કાર સમાન છે, પણ એ યાદો આજે પણ તેમને અંધકારમાં ધકેલી રહી છે. ભવિષ્યમાં તેઓ ફરીથી જીવનની રેલ પકડે તેવા આશાવાદ સાથે સમગ્ર દેશ તેમના સાજા થવાની પ્રાર્થના કરે છે.

Share This Article