પુતિન પર હત્યા અને સત્તાપલટાનો ખતરો: સુરક્ષામાં 5 મોટા ફેરફાર, હવે બંકર બન્યું છે રાષ્ટ્રપતિનું નવું સરનામું
રશિયાના શક્તિશાળી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અત્યારે એક અજીબ પ્રકારના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ, પુતિનને હવે પોતાની જ હત્યા કે સેના દ્વારા સત્તાપલટો થવાનો ડર સતાવી રહ્યો છે. આ આશંકાને કારણે તેમની સુરક્ષા વ્યવસ્થામાં એવા ફેરફારો કરવામાં આવ્યા છે જે રશિયાના ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યા નથી. જનતાથી દૂરી અને વધતા અસંતોષ વચ્ચે પુતિન હવે રશિયાના રસ્તાઓ પર નહીં, પરંતુ જમીનની અંદર બનેલા સુરક્ષિત બંકરોમાં વધુ સમય વિતાવી રહ્યા છે.
ચાલો જાણીએ પુતિનની સુરક્ષામાં આવેલા 5 મોટા ફેરફારો વિશે:
1. મહેલો છોડીને બંકરોમાં વસવાટ
પુતિન અગાઉ મોસ્કો કે વાલ્દાઈ સ્થિત પોતાના ભવ્ય નિવાસોમાં રહેવાનું પસંદ કરતા હતા, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. તેઓ હવે દક્ષિણ રશિયાના ક્રસ્નોદર વિસ્તારમાં આવેલા અત્યાધુનિક અંડરગ્રાઉન્ડ બંકરોમાં અઠવાડિયાઓ સુધી રોકાય છે. નવાઈની વાત એ છે કે, જ્યારે પુતિન બંકરમાં સુરક્ષિત હોય છે, ત્યારે રશિયન સરકારી મીડિયા તેમના જૂના રેકોર્ડ કરેલા વીડિયો પ્રસારિત કરીને એવો ભ્રમ પેદા કરે છે કે રાષ્ટ્રપતિ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે. જાન્યુઆરીમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ બાદ પુતિન વધુ સાવધ બન્યા છે.
2. ડ્રોન હુમલાનો ફાળકો અને ‘ઓપરેશન સ્પાઈડરવેબ’
માર્ચ મહિના પછી રશિયા પર ડ્રોન હુમલાની ઘટનાઓ વધી છે. યુક્રેનના વધતા પ્રભાવ અને ‘ઓપરેશન સ્પાઈડરવેબ’ જેવી ગુપ્ત ગતિવિધિઓએ રશિયન સુરક્ષા એજન્સી ફેડરલ પ્રોટેક્ટિવ સર્વિસ (FSO)ની ઉંઘ હરામ કરી દીધી છે. ડર માત્ર પુતિન પૂરતો સીમિત નથી; રશિયાના અનેક ઉચ્ચ સૈન્ય અધિકારીઓ પર તાજેતરમાં હુમલા થયા છે, જેમાં લેફ્ટનન્ટ જનરલ ફાનિલ સરવારોવની હત્યાએ સુરક્ષા એજન્સીઓ વચ્ચે ખેંચતાણ ઉભી કરી છે.
3. સ્ટાફ પર લોખંડી નિયમો અને જાસૂસી
પુતિનની આસપાસ રહેતા લોકો માટે જીવન નર્ક સમાન બની ગયું છે. તેમના રસોઈયા, ફોટોગ્રાફર અને અંગત બોડીગાર્ડ્સ પર અત્યંત કડક નિયમો લાદવામાં આવ્યા છે. આ સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની, પર્સનલ મોબાઈલ ફોન રાખવાની કે ઈન્ટરનેટ વાપરવાની સખત મનાઈ છે. એટલું જ નહીં, આ કર્મચારીઓના ઘરોમાં પણ ગુપ્ત દેખરેખ પ્રણાલી (Monitoring System) લગાડવામાં આવી છે જેથી કોઈ પણ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી શકાય.
4. મોસ્કોમાં હાઈ એલર્ટ અને ઈન્ટરનેટ શટડાઉન
મોસ્કો શહેર અત્યારે એક છાવણીમાં ફેરવાઈ ગયું છે. મોસ્કો નદીના કિનારા પર સૈનિકોની તૈનાતી વધારી દેવામાં આવી છે અને સ્નિફર ડોગ્સ દ્વારા સતત તપાસ કરવામાં આવે છે. તાજેતરમાં મોસ્કોમાં થયેલા ઈન્ટરનેટ શટડાઉનને પણ આ જ સુરક્ષા કવાયત સાથે જોડવામાં આવે છે, જેથી દુશ્મનો કોઈ પણ પ્રકારના ડિજિટલ કે ડ્રોન હુમલાનું સંકલન ન કરી શકે.
5. ઘટતી લોકપ્રિયતા અને વધતું એકલવાયું જીવન
સુરક્ષાના બહાને પુતિન હવે સામાન્ય જનતા અને પોતાના જ અધિકારીઓથી અલગ-થલગ પડી ગયા છે. એક્સપર્ટ્સનું માનવું છે કે 2022 પછી પુતિનની લોકપ્રિયતા તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. લોકો ઈન્ટરનેટ પર પ્રતિબંધ, વધતી મોંઘવારી અને લાંબા ખેંચાતા યુદ્ધને કારણે નારાજ છે. પુતિન વર્ષમાં માંડ બે-ત્રણ વાર જ કોઈ જાહેર કાર્યક્રમમાં દેખાય છે, જે દર્શાવે છે કે તેઓ હવે જનતાની વચ્ચે જતાં ગભરાઈ રહ્યા છે.

