NSS દ્વારા વિદ્યાર્થીઓમાં સેવા, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યો વિકસે છે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના બાયોટેક્નોલોજી વિભાગ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત એક દિવસીય ‘પ્રશિક્ષણ વર્ગ-૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત અને યુવા સેવા રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોના પ્રોગ્રામ ઓફિસરોએ ભાગ લીધો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, NSS માત્ર સેવા જ નહીં પણ વિદ્યાર્થીઓમાં શિસ્ત અને દેશભક્તિના સંસ્કાર સિંચવાનું પ્લેટફોર્મ છે.
વર્ગખંડ બહારનું શિક્ષણ અને આત્મનિર્ભરતા
મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે પોતાના વિદ્યાર્થીકાળના NSS સંસ્મરણો વાગોળતા કહ્યું કે, જ્યારે વિદ્યાર્થીઓ ગામડામાં કેમ્પ કરે છે, જાતે રસોઈ બનાવે છે અને શ્રમદાન કરે છે, ત્યારે તેમનામાં સાચા નાગરિકના ગુણો વિકસે છે. આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવી નેતૃત્વના પાઠ શીખવે છે. હાલમાં રાજ્યની ૮૦ યુનિવર્સિટીઓના ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ યોજના સાથે જોડાઈને ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સપનાને સાકાર કરવા કાર્યરત છે.
પ્રોગ્રામ ઓફિસરો માટે પ્રશિક્ષણનો હેતુ
આ પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય ઉદ્દેશ્ય NSS પ્રોગ્રામ ઓફિસરોને આધુનિક સમયના પડકારો માટે સજ્જ કરવાનો છે. જેમાં મુખ્યત્વે:
-
ગ્રામીણ ઉત્થાન: ગ્રામ્ય સ્તરે સરકારી યોજનાઓની જાગૃતિ અને વિકાસ કાર્યો.
-
ડિઝાસ્ટર મેનેજમેન્ટ: આપત્તિના સમયે સ્વયંસેવકોની ભૂમિકા અને ત્વરિત કામગીરી.
-
સામાજિક જાગૃતિ: વ્યસનમુક્તિ, રક્તદાન અને પર્યાવરણ જાળવણી જેવા વિષયો પર માર્ગદર્શન.
નેતૃત્વ અને સભ્યતાના પાઠ
VNSGU ના કુલપતિ ડૉ. કે.એન. ચાવડાએ શિસ્તબદ્ધ જીવનમાં NSS ના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, આ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓની વાણી, વર્તન અને વ્યવહારમાં હકારાત્મક પરિવર્તન આવે છે. કુલસચિવ ડૉ. આર.સી. ગઢવીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ કાર્યશાળામાં NSS ગુજરાતના રિજીયોનલ ડિરેક્ટર ડૉ. કમલકુમાર કર સહિત ઉચ્ચ અધિકારીઓ અને પ્રોગ્રામ ઓફિસરો ઉપસ્થિત રહીને યુવા શક્તિને નવી દિશા આપવા સંકલ્પબદ્ધ થયા હતા.

