ઇન્કમ ટેક્સની નોટિસ અને જેલની સજાથી બચવાનો સુવર્ણ અવસર! જાણો શું છે વિદેશી સંપત્તિની આ ખાસ સ્કીમ
આજના ગ્લોબલાઈઝેશનના જમાનામાં ઘણા ભારતીયો અભ્યાસ, નોકરી કે ટેક્નોલોજી ક્ષેત્રે કામ કરવા માટે વિદેશ જાય છે. વિદેશમાં રહેતી વખતે ત્યાં બેંક એકાઉન્ટ ખોલાવવું, શેર કે મિલકત ખરીદવી અથવા કમાણી કરવી એક સામાન્ય બાબત છે. જોકે, ભારતમાં પરત ફર્યા બાદ અજ્ઞાનતા કે ભૂલના કારણે ઘણા નાના કરદાતાઓ પોતાની આ વિદેશી સંપત્તિ કે આવકની વિગત ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) માં દર્શાવવાનું ચૂકી જાય છે.
આવા નાના કરદાતાઓને ઇન્કમ ટેક્સ વિભાગની કડક કાનૂની કાર્યવાહી અને ભારે દંડમાંથી ઉગારવા માટે કેન્દ્ર સરકાર એક અત્યંત રાહતરૂપ સ્કીમ લઈને આવી છે. આવકવેરા વિભાગે જાહેરાત કરી છે કે અઘોષિત વિદેશી સંપત્તિ કે આવકની સ્વૈચ્છિક જાહેરાત કરવા માટેની આ યોજના હેઠળ પાત્ર કરદાતાઓ ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

કોને મળશે આ યોજનાનો લાભ?
આ ખાસ સ્વૈચ્છિક જાહેરાત યોજનાની જાહેરાત ૨૦૨૬-૨૭ના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા સામાન્ય અને નાના કરદાતાઓને પોતાની વિદેશી સંપત્તિ કે આવક નિયમાનુસાર જાહેર કરવાની તક આપવાનો છે, જેઓ કોઈ કારણસર ભૂતકાળમાં પોતાના રિટર્નમાં તેનો ઉલ્લેખ કરી શક્યા ન હતા.
આ યોજનાનો લાભ મુખ્યત્વે નીચે મુજબના લોકો લઈ શકશે:
-
વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ: જેમણે ત્યાં પાર્ટ-ટાઇમ કમાણી કરી હોય કે બેંક એકાઉન્ટ ખોલાવ્યું હોય.
-
આઈટી અને ટેક્નોલોજી ક્ષેત્રના પ્રોફેશનલ્સ: જેમને વિદેશી કંપનીઓ તરફથી સ્ટોક ઓપ્શન્સ (ESOPs) અથવા વિદેશી આવક મળી હોય.
-
યુવા પ્રોફેશનલ્સ અને વિદેશમાં કામ કરી ચૂકેલા કર્મચારીઓ.
-
એનઆરઆઈ (NRI): જેઓ વિદેશમાં રહેતી વખતે સંપત્તિ બનાવીને બાદમાં ભારતમાં કાયમી વસવાટ માટે પરત આવ્યા હોય.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) દ્વારા આ યોજના માટેના તમામ નિયમો અને માર્ગદર્શિકા બહાર પાડી દેવામાં આવ્યા છે.
૧૬ ઓગસ્ટથી ઓનલાઇન અરજી પ્રક્રિયાની શરૂઆત
સબીડીટી (CBDT) ના જણાવ્યા અનુસાર, આ સ્કીમ ૧૬ ઓગસ્ટ ૨૦૨૬ થી સત્તાવાર રીતે અમલી બની ગઈ છે. જે કરદાતાઓ પોતાની અઘોષિત વિદેશી મિલકત, વિદેશી આવક કે આઈટીઆરમાં ન દર્શાવેલી સંપત્તિની માહિતી આપવા માગે છે, તેઓ આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
જાહેરાત કરતી વખતે કરદાતાએ યોજના હેઠળ નક્કી કરાયેલો ટેક્સ અને વધારાની પેનલ્ટી/ફી ચૂકવવી પડશે. આ યોજના હેઠળ જાહેર કરવામાં આવનારી વિદેશી સંપત્તિની યોગ્ય બજાર કિંમત (Fair Market Value) ૩૧ માર્ચ ૨૦૨૬ ની સ્થિતિના આધારે ગણવામાં આવશે.
યોજના હેઠળ પાડવામાં આવેલા બે મુખ્ય વર્ગો (Categories)
વિદેશી સંપત્તિ અને આવકની પ્રકૃતિ મુજબ સરકારે આ સ્કીમને બે અલગ-અલગ કેટેગરીમાં વહેંચી છે:
કેટેગરી ૧: ₹૧ કરોડ સુધીની અઘોષિત સંપત્તિ કે આવક
આ કેટેગરીમાં ભારત બહાર આવેલી એવી અઘોષિત મિલકત કે વિદેશી આવકનો સમાવેશ થાય છે, જેના પર ભૂતકાળમાં ભારતમાં કોઈ ટેક્સ ચૂકવવામાં આવ્યો નથી.
-
મહત્તમ મર્યાદા: અઘોષિત વિદેશી સંપત્તિનું કુલ મૂલ્ય ₹૧ કરોડથી વધુ ન હોવું જોઈએ.
-
ટેક્સ અને ફી નો દર: આ કેટેગરી હેઠળ કરદાતાએ ૩૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે અને ટેક્સની રકમ જેટલી જ (૧૦૦% વધારાની ફી) પણ ભરવી પડશે.
-
ઉદાહરણ: જો તમારી કોઈ વિદેશી મિલકત પર ₹૧૦ લાખનો ટેક્સ બને છે, તો તમારે ₹૧૦ લાખ ટેક્સ + ₹૧૦ લાખ ફી એમ કુલ ₹૨૦ લાખ ચૂકવીને તે સંપત્તિ કાયદેસર કરાવવાની રહેશે.

કેટેગરી ૨: ₹૫ કરોડ સુધીની ટેક્સ-પેઇડ અથવા NRI સમયની સંપત્તિ
આ કેટેગરી એવા લોકો માટે છે જેમણે વિદેશી સંપત્તિ પર ટેક્સ તો ભરી દીધો હતો અથવા તો જ્યારે તેઓ NRI (બિન-નિવાસી ભારતીય) હતા ત્યારે તે સંપત્તિ વસાવી હતી, પરંતુ બાદમાં ભારતીય ITR ફાઈલ કરતી વખતે શેડ્યુલ FA (Foreign Assets) માં તેની માહિતી આપવાનું અજ્ઞાનતાવશ રહી ગયું હતું.
-
મહત્તમ મર્યાદા: વિદેશી સંપત્તિની કુલ કિંમત ₹૫ કરોડ સુધી હોઈ શકે છે.
-
ફી: આ કેટેગરીમાં કરદાતાએ કોઈ મોટો ટેક્સ કે દંડ ભરવાનો નથી, પરંતુ માત્ર ₹૧ લાખની પ્રોસેસિંગ ફી ચૂકવીને પોતાની સંપત્તિ કાયદેસર રીતે રજિસ્ટર કરાવી શકે છે.
૩૧ ડિસેમ્બર ૨૦૨૬ છેલ્લી તારીખ: સમયસર નિર્ણય લેવો જરૂરી
આ રાહત યોજના હેઠળ ઓનલાઇન ડિક્લેરેશન દાખલ કરવાની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. આથી પાત્રતા ધરાવતા કરદાતાઓ માટે આ સમયમર્યાદા ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
જો કોઈ વ્યક્તિ પાસે વિદેશી બેંક એકાઉન્ટ, વિદેશી કંપનીના શેર, સ્થાવર મિલકત કે ઈન્સ્યોરન્સ પોલિસી હોય અને તેનું આઈટીઆરમાં ડિક્લેરેશન ન કર્યું હોય, તો નોટિસ આવે તે પહેલાં આ સ્કીમનો લાભ લઈ લેવો હિતાવહ છે. કાળા નાણાં કાયદા (Black Money Act) હેઠળના આકરા દંડ અને જેલની સજાથી બચવા માટે નાના કરદાતાઓ માટે આ એક શ્રેષ્ઠ અને છેલ્લી તક માનવામાં આવી રહી છે.