Gir Somnath: મચ્છુન્દ્રી, હિરણ અને દેવકા નદી પરના પુલોમાં ગંભીરતા
Gir Somnath: ગીર સોમનાથ જિલ્લામાં રસ્તા અને પુલોની માળખાગત સ્થિતિ અંગે થયેલી તાજેતરની તપાસ બાદ 7 પુલોને નબળા જાહેર કરવામાં આવ્યા છે. સુરક્ષા દ્રષ્ટિએ આ પુલો પર ભારે વાહનોની અવરજવર તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવી છે.
45થી વધુ પુલોની તપાસ બાદ મોટો નિર્ણય
જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં કુલ 45થી વધુ પુલોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ તપાસના આધારે 7 પુલ નબળા હોવાનો ખુલાસો થયો છે.
આ પુલો ખાસ ગંભીર સ્થિતિમાં જાહેર
ઉનાના મચ્છુન્દ્રી નદી પરનો પુલ, કાજલી એપીએમસી પાસે હિરણ નદી ઉપરનો પુલ, તાલાલા પંચાયત હસ્તકનો એક પુલ અને ગુજરાત મેરિટાઈમ બોર્ડના ત્રણ પુલો નબળા હોવાનો નિષ્કર્ષ આવ્યો છે. આ તમામ પુલો હવે માત્ર હલકા વાહનો માટે ખુલ્લા છે.
બેરિયર લગાવવાની કામગીરી શરૂ
સુરક્ષાને ધ્યાનમાં રાખીને પુલોના બન્ને છેડે બેરિયર્સ મૂકવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. દેવકા નદી પરના પુલના ધોવાઈ ગયેલા એપ્રનના રિપેરિંગનું કામ પણ ત્વરિત ધોરણે શરૂ થઈ ગયું છે.
મેરિટાઈમ બોર્ડ અને પંચાયત પુલોને લઈને કામગીરી તેજ
ગુજરાત મેરિટાઈમ બોર્ડના ત્રણે નબળા પુલોની તાત્કાલિક સમારકામ માટે સૂચનાઓ આપવામાં આવી છે. તાલાળામાં એક નવા પુલ માટે મંજૂરી મળી ગઈ છે અને તેનું સોઈલ ટેસ્ટિંગ પૂર્ણ થયેલું છે.
રાષ્ટ્રીય રાજમાર્ગ માટે પણ સૂચનાઓ અપાઈ
બાકી રહેલા બે પુલોના રિપેરિંગ માટે રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણને પણ જરૂરિયાત મુજબની સૂચનાઓ આપવામાં આવી છે. આ કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે, તેમ અધિકારીઓએ જણાવ્યુ છે.
પૂરતી તકેદારી અને ઝડપી કામગીરીનો આરંભ
ભવિષ્યમાં ભયંકર દુર્ઘટનાઓ અટકાવવા અને રાહદારીઓની સલામતી સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટ તંત્ર અને વિવિધ વિભાગોએ તકેદારીભર્યા પગલાં લેવાનું શરૂ કર્યું છે.