ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આફત: ૫ મેથી વાતાવરણ પલટાશે, આ વિસ્તારોમાં વરસાદની આગાહી
રાજ્યમાં અત્યારે જ્યારે ઉનાળો આકરા મિજાજમાં છે અને તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે રાહત અને ચિંતા બંને પ્રકારના સમાચાર આપ્યા છે. રાજ્યમાં ૫ મેથી હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. ઉત્તર ભારત અને પડોશી રાજ્યોમાં શરૂ થયેલી ‘થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી’ને કારણે ગુજરાતમાં પણ ૫ થી ૭ મે દરમિયાન વાદળછાયું વાતાવરણ અને હળવો કમોસમી વરસાદ જોવા મળી શકે છે.
તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થશે
હાલમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિતના શહેરોમાં લૂનો અનુભવ થઈ રહ્યો છે. રાજકોટ ૪૨ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. જોકે, હવામાન વિભાગના આંકલન મુજબ, ૫ મેથી પારો ૨ થી ૩ ડિગ્રી સુધી નીચે ગગડી શકે છે. ખાસ કરીને ૬ મેથી ગરમીથી આંશિક રાહત મળવાની આશા છે.
કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?
હવામાન વિભાગની આગાહી મુજબ, ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ છૂટછવાયા હળવા ઝાપટાં પડી શકે છે:
-
દક્ષિણ ગુજરાત: સુરત, વલસાડ અને નવસારીના દરિયાકાંઠાના વિસ્તારો.
-
સૌરાષ્ટ્ર: અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરના દરિયાકાંઠાના પટ્ટીમાં પવનની ગતિ વધી શકે છે.
-
પૂર્વ ગુજરાત: પંચમહાલ અને દાહોદ જેવા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
-
ઉત્તર ગુજરાત: કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવી થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે.
પ્રી-મોન્સૂન એક્ટિવિટીનું જોર
મે મહિનાના મધ્યથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી સામાન્ય રીતે જોર પકડતી હોય છે. હાલમાં મધ્ય ભારત, દક્ષિણ ભારત (કેરળ, કર્ણાટક) અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ગુજરાતમાં હિટવેવની સ્થિતિમાં ઘટાડો થશે. જોકે, ભેજનું પ્રમાણ વધવાને કારણે બફારો વધવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી.
સાવચેતીના પગલાં
ભારે પવન અને ગાજવીજની શક્યતાને જોતા, ખેડૂતોને પોતાના પાકને સુરક્ષિત રાખવા અને માર્કેટ યાર્ડમાં રહેલા માલને ઢાંકીને રાખવાની સલાહ આપવામાં આવે છે. આકાશમાં વાદળો બંધાતા ગરમીમાં તો રાહત મળશે, પરંતુ અચાનક આવતા પવન અને વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ શકે છે.

