ફ્લેગ ઓફ કન્વીનિયન્સ: શિપ ઓનર્સ ટેક્સ અને ખર્ચ બચાવવા માટે કેમ અપનાવે છે આ રીત?
આજકાલ આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને દરિયાઈ માર્ગે થતી હેરાફેરી વિશે ઘણી ચર્ચા થતી હોય છે. જ્યારે આપણે કોઈ મોટા વેપારી જહાજને દરિયામાં જોઈએ છીએ, ત્યારે તેના પર કયા દેશનો ધ્વજ લહેરાય છે તે ખૂબ મહત્વનું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મોટાભાગના વેપારી જહાજોના માલિકો જે દેશના હોય છે, તે જ દેશના ધ્વજ તેમના જહાજ પર નથી હોતા? આ એક ખૂબ જ રસપ્રદ અને મહત્વપૂર્ણ વિષય છે, જેને ‘ફ્લેગ ઓફ કન્વીનિયન્સ’ (Flag of Convenience) કહેવામાં આવે છે.

ફ્લેગ ઓફ કન્વીનિયન્સ એટલે શું?
સરળ શબ્દોમાં કહીએ તો, ‘ફ્લેગ ઓફ કન્વીનિયન્સ’ એટલે કે કોઈ પણ કોમર્શિયલ જહાજના માલિક દ્વારા પોતાના પોતાના દેશને બદલે અન્ય કોઈ બીજા દેશમાં તે જહાજનું રજીસ્ટ્રેશન કરાવવું અને તેના પર તે બીજા દેશનો ઝંડો લગાવવો.
જે દેશમાં જહાજ રજીસ્ટ્રાર થાય છે, તે દેશને તે જહાજનો ‘ફ્લેગ સ્ટેટ’ (Flag State) કહેવામાં આવે છે અને કાયદાકીય રીતે તે જહાજ પર તે જ દેશનો અધિકાર રહે છે. પનામા, લાઇબેરિયા અને માર્શલ આઈલેન્ડ્સ જેવા દેશો દુનિયાભરમાં મોટી ઓપન રજીસ્ટ્રી (Open Registry) ચલાવે છે. આ દેશો ખૂબ જ સરળ રજીસ્ટ્રેશન પ્રક્રિયા, ઓછી ફી અને આસાન નિયમોની ઓફર કરીને આંતરરાષ્ટ્રીય જહાજ માલિકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
પનામાનો ઝંડો આટલો સામાન્ય અને લોકપ્રિય કેમ છે?
પનામા દેશે દુનિયાની સૌથી મોટી ઓપન શિપ રજીસ્ટ્રી વિકસાવી છે. આ દેશની સિસ્ટમ વિદેશી નાગરિકો અને કંપનીઓને પનામામાં હાજર રહ્યા વગર પણ પોતાના જહાજ રજીસ્ટર કરવાની શાનદાર સગવડ આપે છે. આ જ કારણ છે કે પનામા ઇન્ટરનેશનલ ટ્રેડ સાથે જોડાયેલા શિપ ઓનર્સ માટે સૌથી પહેલી પસંદ બની જાય છે.
આ વ્યવસ્થા પાછળનું મુખ્ય કારણ નાણાકીય બચત (Cost Saving) છે. વિકસિત દરિયાઈ દેશોમાં જહાજ રજીસ્ટર કરવાના ખર્ચની સરખામણીમાં પનામા કે લાઈબેરિયા જેવા દેશોમાં રજીસ્ટ્રેશન ફી અને અન્ય એડમિનિસ્ટ્રેટિવ ખર્ચ ઘણો ઓછો આવે છે. વળી, કંપનીના માલિકી હક અને ટેક્સ સ્ટ્રક્ચરના આધારે જહાજ માલિકોને ભારે ટેક્સ છૂટ પણ મળી રહે છે.
સાથે જ, ઓપન રજિસ્ટ્રીની લવચીકતા (Flexible) નિયમો ઓપરેટિંગ ખર્ચને ઘટાડવામાં મદદ કરે છે. જહાજ ચલાવવામાં સુરક્ષા, જાળવણી, ક્રૂ મેમ્બર્સ અને પર્યાવરણના કાયદા પાળવાના ભારે ખર્ચ થતા હોય છે, જેથી માલિકો એવા દેશોની શોધ કરે છે જે આંતરરાષ્ટ્રીય જરૂરિયાતો પૂરી કરવાની સાથે નિયમોમાં થોડી છૂટ પણ આપતા હોય.

આ જહાજો પર ભારતીય નાવિકો મોટી સંખ્યામાં કેમ જોવા મળે છે?
ઘણા લોકોના મનમાં એ સવાલ થાય છે કે જો જહાજ પનામા કે લાઇબેરિયાના ઝંડા હેઠળ ચાલતું હોય, તો તેમાં ભારતીય નાવિકો કેમ કામ કરતા હોય છે?
હકીકતમાં, જહાજ પર કયા દેશનો ઝંડો છે તેનો મતલબ એ નથી કે તેના પર કામ કરનાર આખો સ્ટાફ કે ક્રૂ પણ તે જ દેશનો હશે. પનામામાં રજીસ્ટર્ડ જહાજનો માલિક ભારતીય હોઈ શકે છે, તેનો ક્રૂ મલ્ટીનેશનલ (અલગ-અલગ દેશોના લોકો) હોઈ શકે છે અને કાર્ગો દુનિયાના અનેક દેશો વચ્ચે ફરી શકે છે.
ભારતમાં અત્યંત કુશળ અને પ્રશિક્ષિત નાવિકો (Seafarers) ની એક વિશાલ ફોજ છે જે ગ્લોબલ મર્ચન્ટ શિપિંગ ઇન્ડસ્ટ્રીમાં સેવા આપે છે. ભારતીય કેપ્ટન, એન્જિનિયર અને અન્ય ક્રૂ મેમ્બર્સ પનામા, લાઇબેરિયા કે માર્શલ આઈલેન્ડ્સ જેવા દેશોના ધ્વજવાળા જહાજો પર મોટી સંખ્યામાં કામ કરે છે. આ સિસ્ટમ શિપ ઓનર્સને દુનિયાના કોઈપણ ખૂણેથી શ્રેષ્ઠ કર્મચારીઓને યોગ્ય વેતન ધોરણે હાયર કરવાની ફ્લેક્સિબિલિટી આપે છે.
ભારતીય કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા
એવું નથી કે માત્ર વિદેશી કંપનીઓ જ આ પદ્ધતિ વાપરે છે; કેટલીક ભારતીય શિપિંગ કંપનીઓ પણ આંતરરાષ્ટ્રીય ઓપરેશન્સ માટે પોતાના જહાજો વિદેશી ઝંડા હેઠળ રજીસ્ટ્રાર કરાવતી હોય છે. આ નિર્ણય ટેક્સ, રજીસ્ટ્રેશન કોસ્ટ, આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચ અને નાણાકીય વ્યવસ્થાપન જેવી બાબતો પર આધાર રાખે છે.
જો કે, વિદેશી ઝંડો લગાવવાનો અર્થ એવો નથી કે તે જહાજ ભારતીય કાયદાઓ કે ટેક્સ જવાબદારીઓથી સંપૂર્ણપણે છટકી જાય છે. કાયદાકીય અસરો જહાજના માલિકી હક અને તેના ઓપરેશનના આધારે નક્કી થાય છે. ટૂંકમાં કહીએ તો, દરિયામાં લહેરાતો પનામાનો ઝંડો એ માત્ર એક કાગઝી ઓળખ છે, બાકી વાસ્તવિક દુનિયામાં ગ્લોબલ શોપિંગ બિઝનેસ આ રીતે વૈશ્વિક સહયોગથી ચાલે છે.
