શું 1 ઓક્ટોબરથી બદલાઈ ગયા વોટ્સએપના નિયમો? જાણો સામાન્ય જનતા પર તેની શું અસર પડશે
આજકાલ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના સમાચારો વાયરલ થતા હોય છે, જેમાં હાલમાં જ એક મોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે વ્હોટ્સએપ હવે મેસેજ દીઠ 14 પૈસા ચાર્જ વસૂલશે અને આ નવો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થઈ ગયો છે. આ સમાચાર સાંભળીને ઘણા લોકો ચિંતામાં મૂકાઈ ગયા છે કે શું હવે સામાન્ય નાગરિકોએ પણ વ્હોટ્સએપ ચેટિંગ માટે પૈસા આપવા પડશે? જો તમારા મનમાં પણ આ જ સવાલ છે, તો આ અહેવાલમાં આપણે જાણીશું કે આ નવા નિયમ પાછળનું અસલી સત્ય શું છે અને સામાન્ય જનતા પર તેની શું અસર પડશે.

સામાન્ય યુઝર્સ માટે વ્હોટ્સએપ એકદમ ફ્રી રહેશે
સૌથી પહેલાં અને સૌથી મહત્વની રાહતની વાત એ છે કે સામાન્ય જનતા, મિત્રો અને પરિવારજનો સાથે ચેટ કરતા સામાન્ય વ્હોટ્સએપ યુઝર્સ માટે આ એપ્લિકેશન અગાઉની જેમ જ સંપૂર્ણપણે મફત રહેશે. સામાન્ય વ્યક્તિગત (Personal) મેસેજિંગ પર કોઈ જ પ્રકારનો નાણાકીય બોજ કે ચાર્જ લાગુ પડતો નથી.
આ નવો નિયમ કે ટેરિફ પ્લાન માત્ર અને માત્ર મોટા કદની કોર્પોરેટ કંપનીઓ, બેંકો, ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને બિઝનેસ API નો ઉપયોગ કરતી મોટી સંસ્થાઓ માટે જ બનાવવામાં આવ્યો છે. જો તમે કોઈ બિઝનેસ એકાઉન્ટ સાથે ચેટ કરી રહ્યા છો, તો પણ તમારે ચેટ કરવા માટે એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં.
કઈ કંપનીઓને અને કયા મેસેજ પર લાગુ થશે આ ચાર્જ?
મેટા (Meta) દ્વારા વ્હોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મ પર વ્યવસાયિક ઉપયોગ અને સર્વિસ મેસેજ માટે નવા ટેરિફ રેટ્સ નક્કી કરવામાં આવ્યા છે. જે કંપનીઓ પોતાના ગ્રાહકોને ઓટોમેટેડ મેસેજ, બેંક બેલેન્સ એલર્ટ, ઓર્ડર ડિલિવરી અપડેટ્સ અથવા વન-ટાઇમ પાસવર્ડ (OTP) મોકલે છે, તેમને હવે મેસેજ દીઠ ચાર્જ ચૂકવવો પડશે. આ તમામ ચાર્જ સીધો મેટા કંપની દ્વારા વસૂલવામાં આવે છે.
નવા નિયમો અનુસાર, કંપનીઓ દ્વારા મોકલવામાં આવતા મેસેજના પ્રકાર મુજબ અલગ-અલગ દરો નક્કી કરવામાં આવ્યા છે:
પ્રમોશનલ મેસેજ: ગ્રાહકોને ઓફર્સ, સેલ, ડિસ્કાઉન્ટ કે પ્રમોશનલ માહિતી મોકલવા માટે કંપનીઓએ અંદાજે 0.86 રૂપિયા (86 પૈસા) પ્રતિ મેસેજ ચૂકવવા પડશે.
યુટિલિટી અને સર્વિસ મેસેજ: ઓર્ડર સ્ટેટસ, ડિલિવરી અપડેટ્સ અને લોગિન પાસવર્ડ (OTP) જેવા મેસેજ મોકલવા માટે અંદાજે 11.5 પૈસા પ્રતિ મેસેજ ચાર્જ લાગશે. તેમાં જીએસટી (GST) ઉમેર્યા બાદ કુલ ખર્ચ અંદાજે 14 પૈસા પ્રતિ મેસેજ થશે.
અગાઉ ગ્રાહકના મેસેજના જવાબમાં 24 કલાકની અંદર મોકલવામાં આવતા યુટિલિટી મેસેજ મફત હતા, પરંતુ હવે નવા નિયમ મુજબ તેના માટે પણ કંપનીઓએ પ્રતિ મેસેજ ચાર્જ ચૂકવવો પડશે.

બિઝનેસ યુઝર્સ માટે શું છે ખાસ જોગવાઈ?
વ્હોટ્સએપ બિઝનેસ એપ કે પ્લેટફોર્મનો ઉપયોગ કરતી દરેક બિઝનેસ ફર્મ માટે પ્રતિ માસ 1,000 ફ્રી મેસેજ (ગ્રાહક સેવા અને સપોર્ટ માટે) આપવામાં આવે છે. આ મર્યાદા પૂરી થયા બાદ જ વધારાના મેસેજ પર ચાર્જ લાગુ થાય છે.
સાથે જ, જે કંપનીઓએ 30 સપ્ટેમ્બર સુધીમાં પોતાની પેમેન્ટ મેથડ (કાર્ડ વગેરે) વ્હોટ્સએપ બિઝનેસ એકાઉન્ટમાં એડ નથી કરી, તેઓ 1 ઓક્ટોબરથી ગ્રાહકોને મેસેજ મોકલવામાં અસમર્થ બની શકે છે. આ નિયમો માત્ર વ્યાપારી સંસ્થાઓના ઓપરેશનને નિયંત્રિત કરવા માટે છે.
સામાન્ય જનતા પર શું થશે અસર?
જો સરળ ભાષામાં સમજીએ તો, સામાન્ય નાગરિકો પર આ નવા ફેરફારની કોઈ જ નકારાત્મક અસર નહીં પડે. જ્યારે તમે કોઈ બેંક પાસેથી ખાતામાં રકમ જમા કે ઉધાર થવાનો SMS અથવા વ્હોટ્સએપ એલર્ટ મેળવો છો, કોઈ ઓનલાઇન શોપિંગ એપ પરથી ડિલિવરીની માહિતી મેળવો છો, કે લોગિન વખતે OTP મેળવો છો, ત્યારે તે મેસેજ મોકલવાનો ખર્ચ બેંક કે કંપનીઓ ભોગવે છે, તમારે તમારા ખિસ્સામાંથી એક પણ પૈસો ચૂકવવો પડતો નથી.
