મિથુન અને તુલા સહિત ૪ રાશિઓ માટે અઠવાડિયું અત્યંત સુખદ, જાણો 12 રાશિઓનું ભવિષ્ય
ચંદ્ર રાશિ અને ગ્રહોની સ્થિતિ અનુસાર ઓક્ટોબર મહિનાનું આ નવું સપ્તાહ (૧૯ થી ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬) તમામ ૧૨ રાશિઓના જીવનમાં મોટા ફેરફારો લઈને આવી રહ્યું છે. જાણીતા સુગંધશાસ્ત્રી અને જ્યોતિષી અનિલ કુમાર ઠક્કરના મતે, આ અઠવાડિયું કેટલીક રાશિઓ માટે અત્યંત સુખદ અને લાભદાયી સાબિત થઈ શકે છે, જ્યારે અન્ય કેટલીક રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્ય, નાણાકીય લેવડદેવડ અને કારકિર્દી બાબતે વિશેષ સાવચેતી રાખવાની જરૂર પડશે. સૂર્યનું નિમ્ન રાશિમાં સ્થાન તેમજ મકર, કુંભ અને મીન રાશિમાં ચંદ્રનું ગોચર કેટલાક જાતકો માટે ચિંતાનું કારણ બની શકે છે, તો વળી અનેક રાશિઓ માટે આ સમય સકારાત્મક પરિણામો લઈને આવ્યો છે. આવો જાણીએ તમામ ૧૨ રાશિઓ માટે સાપ્તાહિક રાશિફળની વિસ્તૃત વિગતો.
મેષ, વૃષભ અને મિથુન રાશિનું સાપ્તાહિક રાશિફળ
મેષ રાશિ: ચંદ્ર રાશિના બારમા ભાવમાં શનિ હોવાથી સામાન્ય રીતે સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ નિયમિત યોગ અને કસરત જાળવી રાખવી જરૂરી છે. ચોથા ભાવમાં ગુરુની સ્થિતિથી નાણાકીય ગતિ જાળવી શકાશે અને અણધાર્યા ખર્ચ ઘટવાથી સંપત્તિ એકઠી થશે. કારકિર્દીમાં પાંચમા ભાવમાં કેતુ હોવાથી કામની ચકાસણી થઈ શકે છે, તેથી ઉતાવળ કરવાનું ટાળવું. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મહેનત રંગ લાવશે.

વૃષભ રાશિ: ત્રીજા ભાવમાં ગુરુ હોવાને કારણે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને સ્વાસ્થ્યમાં નરમાાઈ રહી શકે છે. દસમા ભાવમાં રાહુ હોવાથી આર્થિક દ્રષ્ટિએ સમય અનુકૂળ છે અને આવક વધવાની તકો મળશે. પરિવારમાં પ્રેમ વધશે અને કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓનો સહકાર મળશે. વિદ્યાર્થીઓ માટે વિદેશી યુનિવર્સિટીમાં પ્રવેશના યોગ બની રહ્યા છે.
મિથુન રાશિ: દસમા ભાવમાં શનિને કારણે મૂડ થોડો ઉદાસ રહી શકે છે, જેના માટે આધ્યાત્મિક વિચારો કે સજ્જનોની સંગત લાભદાયી રહેશે. ત્રીજા ભાવમાં કેતુ હોવાથી આર્થિક બાબતોમાં સાવધ રહેવું અને સપ્તાહની શરૂઆતમાં મોટા રોકાણો ટાળવા. નોકરી બદલવા અથવા વ્યાવસાયિક નિર્ણયો માટે આ સારો સમય છે.
કર્ક, સિંહ અને કન્યા રાશિનું સાપ્તાહિક રાશિફળ
કર્ક રાશિ: પહેલા ભાવમાં ગુરુ હોવાથી નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે, પરંતુ યોગ અને ધ્યાનાભ્યાસથી ફિટ રહી શકાશે. નવમા ભાવમાં શનિ હોવાથી સોના, મિલકત કે ઘર બાંધકામમાં રોકાણ માટે આ ઉત્તમ સમય છે. પરિવારમાં પોતાના નિયમો લાદવાનું ટાળવું. વ્યવસાયિક અને શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિની તકો મળશે.

સિંહ રાશિ: આઠમા ભાવમાં શનિ હોવાથી ફળોનું સેવન અને મોર્નિંગ વૉક દ્વારા સ્વાસ્થ્ય જાળવવું. બારમા ભાવમાં ગુરુ લાંબા ગાળાના રોકાણમાં નફો અપાવશે. પરિવારના વડીલો અને બાળકો માટે વધુ સમય ફાળવવો પડશે. કારકિર્દીમાં ઉર્જાનો અભાવ વર્તાઈ શકે છે, જેને દૂર કરવા પુસ્તકો કે સંગીતની મદદ લઈ શકાય.
કન્યા રાશિ: સાતમાં ભાવમાં શનિ હોવાથી પ્રાણાયામ દ્વારા સ્વાસ્થ્ય સુધારી શકાય છે. અગિયારમા ભાવમાં ગુરુ નવા લાભોની તક આપશે પરંતુ ઉતાવળિયા નિર્ણયો ટાળવા. બીજાના કાર્યોની ટીકા કરવાની આદત બદલીને પ્રશંસા કરતા શીખવું. વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે ખાસ કરીને વિદેશ અભ્યાસ માટે આ સમય અત્યંત ફળદાયી છે.
તુલા, વૃશ્ચિક અને ધનુ રાશિનું સાપ્તાહિક રાશિફળ
તુલા રાશિ: એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓમાં રાહત મળશે. દસમા ભાવમાં ગુરુ હોવાથી રિયલ એસ્ટેટ અને નાણાકીય વ્યવહારો માટે શુભ સમય છે. પાંચમા ભાવમાં રાહુ હોવાથી કાર્યમાં વિલંબ ટાળવો જરૂરી છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે પરિણામો ઉત્સાહવર્ધક રહેશે.
વૃશ્ચિક રાશિ: ચોથા ભાવમાં રાહુ હોવાથી ભાવનાત્મક નબળાઈ અને અનિશ્ચિતતા અનુભવાઈ શકે છે. દસમા ભાવમાં કેતુ હોવાથી નાણાકીય લાભ છતાં અસંતોષની ભાવના રહી શકે છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ અથવા લગ્ન-જન્મદિવસની ઉજવણીથી ઉત્સવનું વાતાવરણ બનશે. વિદેશમાં અભ્યાસનું સ્વપ્ન જોતા વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.
ધનુ રાશિ: ત્રીજા ભાવમાં રાહુ હોવાથી સ્વાસ્થ્યમાં સુધારો થશે, પરંતુ લાંબા અંતરની મુસાફરી ટાળવી હિતાવહ છે. આઠમા ભાવમાં ગુરુને કારણે લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મળશે. ભાગીદારીમાં નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ અઠવાડિયું લાભદાયી રહેશે, જો કે જીવનસાથી સાથે સંવાદ જાળવવો જરૂરી છે.
મકર, કુંભ અને મીન રાશિનું સાપ્તાહિક રાશિફળ
મકર રાશિ: આઠમા ભાવમાં કેતુ હોવાથી મૂડ ઉદાસ રહી શકે છે, જેના માટે મિત્રો કે પરિવાર સાથે ચર્ચા કરવી યોગ્ય રહેશે. બીજા ભાવમાં રાહુ હોવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે પરંતુ રોકાણ કરતા પહેલા વાસ્તવિક સ્થિતિ ચકાસી લેવી. ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવું અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સખત મહેનત કરવી.

કુંભ રાશિ: પહેલા ભાવમાં રાહુ હોવાને કારણે ઉર્જા સ્તરમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. છઠ્ઠા ભાવમાં ગુરુ હોવાથી નાણાકીય સુધારો થશે અને જૂના દેવાં ચૂકવી શકાશે. બાળકની સફળતા પરિવારમાં ખુશીઓ લાવશે. ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે આ સમય ભવિષ્યના મોટા નિર્ણયો લેવા માટે અનુકૂળ છે.
મીન રાશિ: સ્વાસ્થ્ય સુધારવા માટે સ્વસ્થ આહાર અને લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું. પાંચમા ભાવમાં ગુરુ લાંબા ગાળાના રોકાણમાં નફો અપાવશે. પહેલા ભાવમાં શનિ હોવાથી વ્યાવસાયિક જીવનમાં મોટી સફળતા અને વરિષ્ઠ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. વિદ્યાર્થીઓએ પરિવારના દબાણમાં આવ્યા વગર પોતાની રુચિ મુજબ કારકિર્દીની પસંદગી કરવી જોઈએ.
