ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ કોણ બનશે? મહારાષ્ટ્રીયન કે ગુજરાતી? લાંબા સમયથી ઘોંચમાં પડેલી વરણી
વિશ્વમાં સૌથી મોટો પક્ષ હોવાનો દાવો કરતાં ભાજપ લાંબા સમયથી રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત ગુજરાત અને કેટલાક રાજ્યોના ભાજપ પ્રમુખોની વરણી કરી શક્યું નથી. પ્રમુખોની વરણીની અટકળો વારંવાર ચાલ્યા કરે છે પંરુત અટકળો માત્ર અટકળો જ રહી જાય છે. ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ની આ મામલે ઘણી બઠેકો થયાના અહેવાલો પણ આવતા રહે છે, પરંતુ કોઈ ચહેરા પર સંમતિ ન સધાતી હોવાનું દેખાઈ રહ્યું છે. આ સાથે દેશમાં ઊભી થતી પરિસ્થિતિઓ, વૈશ્વિક રાજકીય પરિસ્થિતિઓ અને અલગ અલગ રાજ્યોની ચૂંટણીને લીધે પણ કામ ખોરંભે ચડી ગયું હોય તેમ લાગે છે.
આ સ્થિતિમાં અટકળો લગાવવામાં આવી રહી છે અને અનેક સંભવિત નામ બહાર આવી રહ્યા છે, પરંતુ તાજેતરમાં જે બે નામ આ યાદીમાં જોડાયા છે, તેમની ચર્ચા જોરમાં છે. આ નામ ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને માટે મહત્વના છે. પોતપોતાના રાજ્યમાં મોટું નામ ધરાવે છે અને હાલમાં પણ તેમની પાસે ઉચ્ચ પદ છે.
આ નેતાઓના નામ આવ્યા ચર્ચામાં
ઘણા સમયથી ભાજપના પ્રદેશાધ્યક્ષ તરીકે મધ્યપ્રદેશના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણનું નામ બોલાઈ રહ્યું છે. હવે આ સાથે કેન્દ્રના એક બીજા કેબિનેટ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાનું નામ પણ જોડાઈ ગયું છે. પુરુષોત્તમ રૂપાલા હાલમાં પશુપાલન અને મત્સ્ય વિભાગ સંભાળે છે. તેઓ તેમની સંગઠનશક્તિ, લોકો સાથે જોડાયેલા રહેવાની કળા અને નિર્ણાયકશક્તિ માટે જાણીતા છે.
જ્યારે બીજી બાજુ મહારાષ્ટ્રનું જે નામ બોલાઈ રહ્યું છે તે ચહેરો ઘણો યુવાન છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું નામ લેવામાં આવી રહ્યું છે. દેવેન્દ્રને રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશ મળે તેની શક્યતાઓ પ્રબળ છે. સંઘનું સમર્થન, વહીવટી અને રાજકીય અનુભવ, નરેન્દ્ર મોદી સાથેની નીકટતા, યુવાનોને આકર્ષી શકીએ તેવો યુવા ચહેરો હોવાથી તેમનું નામ પણ લેવાઈ રહ્યું છે.
ભાજપના સૂત્રોની માનીએ તો પુરુષોત્તમ રૂપાલાની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજ માટે તેમણે કરેલા એક નિવેદન બાદ તેઓ ભારે મુશ્કેલીમાં આવી ગયા હતા અને એક સમયે લોકસભા વિસ્તારની ટિકિટ તેમણે ગુમાવવી પડે તેમ બન્યું હતું. જોકે પછીથી તેઓ જંગી બહુમતિથી જીતી ગયા. જોકે પરષોત્તમ રૂપાલા સંઘ સાથે સીધી રીતે જોડાયેલા નેતા નથી અને રાષ્ટ્રીય ચહેરો ભાજપ તેમને બનાવે તેવી શક્યતા ઓછી છે. આ સાથે વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાન બન્ને ગુજરાતના હોવાથી હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ગુજરાતના જ હોય તેની શક્યતા નહીવત છે.
બીજી બાજુ મહારાષ્ટ્રમાં મહાયુતીની સરકાર છે, જેમાં એનસીપી (અજિત પવાર) અને શિવસેના (એકનાથ શિંદે) પણ સામેલ છે. ફડણવીસ મહારાષ્ટ્ર ભાજપનો મજબૂત ચહેરો છે અને હાલની સ્થિતિમાં તેમને હટાવવાનું ભાજપને પરવડે તેમ લાગતું નથી. ફડણવીસની જગ્યાએ જો અન્ય કોઈ મજબૂત ચહેરો મહારાષ્ટ્રમાં ભાજપને ન મળે તો એનસીપી અને શિવસેનાને હાવી થતા વાર ન લાગે આથી, ફડણવીસની પણ આ પદ માટે વરણી થાય તેવી શક્યતા ઓછી જણાય છે.
ભાજપના આલા નેતાઓ હંમેશાં સરપ્રાઈઝ આપવા માટે જાણીતા છે, આથી આ પદ પર કોઈ નવો જ ચહેરો, ન વિચારેલું નામ જાહેર થાય તો પણ નવાઈ નહીં હોય.